MP Cough Syrup Death: મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપના કારણે મોતનો સિલસિલો ચાલુ છે. મધ્યપ્રદેશના છિંદવાડામાં આજે વધુ એક બાળકે કિડની ફેઈલ થતાં દમ તોડ્યો છે. છિંદવાડામાં કફ સિરપના કારણે કિડની ફેઈલ થતાં અત્યારસુધીમાં 15 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો છે. આ કેસમાં એક ડોક્ટરને આરોપી બનાવવામાં આવ્યા છે, જેનો IMA (ઈન્ડિયન મેડિકલ એસોસિએશન)એ વિરોધ કર્યો છે.
એક ડોક્ટરને આરોપી બનાવ્યા
પોલીસે આ મામલે પરાસિયાના બાળ રોગ નિષ્ણાત ડો. પ્રવીણ સોની વિરૂદ્ધ કેસ નોંધી ધરપકડ કરી છે. IMAએ આ ધરપકડનો ભારે વિરોધ કર્યો છે. એસોસિએશને તાત્કાલિક ધોરણે ડો. સોનીને મુક્ત કરવાની માગ સાથે બુધવારથી ઈમરજન્સી સેવાઓ બંધ કરી અનિશ્ચિતકાળ માટે હડતાળ પર ઉતરવાની ચીમકી આપી છે.
હડતાળ કરવાની ચીમકી
એસોસિએશનનું કહેવું છે કે, કફ સિરપના કારણે બાળકોના મોત મામલે એક જ ડોક્ટરને આરોપી તરીકે રજૂ કરવા યોગ્ય નથી. તે તદ્દન ન્યાયની વિરૂદ્ધમાં છે. કોઈપણ પુરાવા કે તથ્યો વિના ડોક્ટરને આરોપી બનાવી અડધી રાત્રે ધરપકડ કરવી યોગ્ય નથી. દવામાં કોઈપણ ખરાબી હોય તો તેની જવાબદારી દવા બનાવનારી કંપની, કેન્દ્રીય અને રાજ્ય ડ્રગ કંટ્રોલર બોડી તથા ડ્રગ ઈન્સ્પેક્ટરની હોય છે. આ તમામ વિરૂદ્ધ કેસ નોંધવાના બદલે એક જ ડોક્ટરને આરોપી બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ 14 માસૂમોના મોત માટે જવાબદાર કોણ? ફેક્ટરીમાં 350 નિયમોનું ઉલ્લંઘન, પ્રોડક્શન પર રોક
વધુમાં IMAએ ચીમકી આપી હતી કે, અમારી વહીવટી તંત્ર સમક્ષ માગ છે કે, અમારા ડોક્ટરને તાત્કાલિક ધોરણે મુક્ત કરો. નહીં તો અમે મંગળવારે કાળી પટ્ટી બાંધી કામ કરીશું અને 24 કલાક બાદ બુધવારથી ઈમરજન્સી સેવાઓ છોડી તમામ પ્રકારની મેડિકલ સેવાઓ બંધ કરતાં અનિશ્ચિતકાળ સુધી હડતાળ પર ઉતરીશું.
મધ્યપ્રદેશમાં તપાસ માટે SITની રચના
મધ્યપ્રદેશમાં કફ સિરપના કારણે મોતનો કેસ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને સોંપવામાં આવ્યો છે. પોલીસે કોલ્ડરિફ કફ સિરપ બનાવતી કંપની વિરૂદ્ધ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે મૃતક બાળકોના પરિજનોને રૂ. 4 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરકારે કોલ્ફરિફ કફ સિરિપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ કફ સિરપ બનાવતી તમિલનાડુની સ્રેસન ફાર્માસ્યુટિકલ્સના દવાના નમૂના લેવામાં આવ્યા છે, તેમાં ટોક્સિક તત્ત્વ વધુ પ્રમાણમાં મળી આવ્યું હતું. સબ ડિવિઝનલ ઓફિસર ઓફ પોલીસ જિતેન્દ્ર સિંહ જાટના નેતૃત્વ હેઠળ 12 સભ્યોની SIT એ તપાસ હાથ ધરી છે.











