Surat Corporation : પ્રદૂષણને ધ્યાને લઇને સુપ્રીમ કોર્ટે અગાઉ આપેલા આદેશ મુજબ કોઈ પણ જાહેર સ્થળોએ કચરો સળગાવવા પર પ્રતિબંધ જાહેર કર્યો હતો. આ આદેશનો અનાદર કરીને સામાન્ય નાગરિક જાહેરમાં કચરો સળગાવે તો શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવે છે. પરંતુ કોર્ટના આદેશનું પાલન ખુદ સુરત પાલિકા જ કરી રહી હોવાનું બહાર આવ્યું છે. સુરત પાલિકાના પાલનપોર ગાર્ડનમાં ગાર્ડનનો કચરાનો નિકાલ ડિસ્પોઝલ સાઈટ પર કરવાના બદલે ગાર્ડનમાં જ સળગાવવામાં આવી રહ્યો છે.
સુરત શહેરને વર્ષ 2024 ના વાયુ સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં પહેલો નંબરનો એવોર્ડ સુરત પાલિકાને મળ્યો છે પરંતુ સુરત પાલિકા આ એવોર્ડને જાળવી લેવામાં નિષ્ફળ બની રહી છે. પાલિકા પ્રદુષણ અટકાવવા માટે ગ્રીન વ્હીકલ પોલીસી સહિતની અનેક કામગીરી કરી રહી છે પરંતુ પાલિકાના ગાર્ડનમાંથી નીકળતા વેસ્ટનો સાયન્ટીફીક નિકાલ નહીં થતા પાલિકાની મહેનત પર પાણી ફરી વળી રહ્યું છે.
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલનપોર ખાતેના લેક ગાર્ડન માવજતના અભાવે મુરઝાઈ રહ્યો છે. પાલિકાના આ ગાર્ડનમાં સફાઈ યોગ્ય થતી ન હોવાથી ગાર્ડનમાં ગંદકી જોવા મળી રહી છે. ગાર્ડનમાં કચરો કેટલીક વખત ભેગો કરવામાં આવે છે પરંતુ ગાર્ડનમાં જ ભેગો કરવામા આવે છે અને આ કચરાને સળગાવી દેવામાં આવે છે. આ ગાર્ડનના કચરાને ડમ્પિંગ સાઈટ પર નિકાલ ન થતા સળગાવી દેવાતા હોવાથી કોર્ટના આદેશનું પાલન થતું નથી અને પ્રદુષણ પણ થઈ રહ્યું છે. જો કોઈ નાગરિક આવી રીતે જાહેરમાં કચરો સળગાવી પ્રદુષણ કરે તો તેની સામે પાલિકા શિક્ષાત્મક કાર્યવાહી કરે છે પરંતુ પાલિકાના જ ગાર્ડનમાં કચરો જાહેરમાં સળગાવી પ્રદૂષણ વધારો કરવા સાથે લોકોના આરોગ્ય સામે ખતરો હોવા ઉપરાંત અકસ્માતનો પણ ભય રહેલો છે. પાલિકાના ગાર્ડનમાં જ ચાલી રહેલી આ પ્રવૃત્તિ પાલિકા અટકાવી શકતી ન હોવાથી લોકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પાલનપોર લેક ગાર્ડનમાં તૂટેલા રમત-ગમતના સાધનોની અકસ્માતની ભીતિ
પાલનપોર લેક ગાર્ડનમાં નિયમોનો ભંગ કરીને કચરો સળગાવવામાં આવી રહ્યો છે તેની સાથે સાથે ગાજ્ઞડનનું મેઈન્ટેનન્સ યોગ્ય થતું ન હોવાનું પણ બહાર આવ્યું છે. ગાર્ડનમાં રમત ગમતના સાધનો તૂટેલા છે તેને રિપેર પણ કરવામાં આવતા ન હોવાથી બાળકોને ઈજા થાય તેવી ભીતિ સતત વ્યક્ત થઈ રહી છે.
પાલનપોર લેક ગાર્ડન વિશાળ છે પરંતુ તેની માવજત થતી નથી રમત ગમતના સાધનો મુક્યા છે પરંતુ તેનું મેઈન્ટેનન્સ થતું નથી. હીંચકા તુટી ગયા છે અને નાની ચગડોળ પણ તૂટી ગયેલી હાલતમાં છે. ભૂલમાં પણ કોઈ બાળક આ સાધના પાસે જાય તો ઈજા થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. ગાર્ડનમાં મુકેલી કચરાપેટી તુટેલી છે તેથી મુલાકાતીઓ જાહેરમાં કચરો ફેંકી રહ્યા છે.

ગાર્ડનમાં પરબ છે પણ નળ નથી ટોયલેટ બ્લોક છે પણ દરવાજા નથી
સુરત પાલિકાના પાલનપોર લેક ગાર્ડનમાં તમામ સુવિધા ઉભી કરવામા આવી છે અને તેના માટે બોર્ડ પણ લગાવ્યા છે. પરંતુ આ સુવિધા એક વખત શરુ કરાયા બાદ તેની જાળવણી થઈ ન હોવાથી આ સુવિધાનો ઉપયોગ મુલાકાતીઓ કરી શકતા નથી.
લેક ગાર્ડનમાં પાણી માટે પરબ બનાવવામાં આવી છે પરંતુ તેમાં પાણી નથી અને નળ પણ નથી. આ ઉપરાંત પાણીની આ પરબ ઠેક ઠેકાણે ટુટી ગયેલી હાલતમાં જોવા મળી રહી છે. આવી જ રીતે ટોયલેટ બ્લોક તો બનાવવામાં આવ્યા છે પરંતુ તેના દરવાજા નથી તેથી ઉપયોગ થઈ શકતો નથી. રમત ગમતના સાધન છે અને તે તુટેલા છે અને તેના પર રખડતા કુતરાઓએ કબજો જમાવી દીધો છે.
આ ગાર્ડન માણસ માટે નહી પરંતુ કુતરા માટે હોય તેમ ઠેક ઠેકાણે કુતરાને ખાવા માટે અને પાણી માટે સાધનો ગોઠવી દેવામાં આવ્યા છે તેના કારણે ગાર્ડનમાં આવતા મુલાકાતીઓ રખડતા કુતરાનો ભોગ બને તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.










