![]()
મૂળ ગીર સોમનાથની મહિલા ઘરબેઠા સાડી પર સ્ટોન લગાવવાનું કામ કરતી ત્યારે અમરોલીના રીક્ષા ચાલક રાહુલ નેરકરના સંપર્કમાં આવી હતી : પ્રેમી રાહુલના કહેવાથી પતિને છૂટાછેડા આપ્યા બાદ તેની સાથે રહેવા ગઇ તો તેના પરિવારે વિરોધ કરતા તગેડી મુકી
સુરત, : સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી મૂળ ગીર સોમનાથની બે બાળકોની ૩૨ વર્ષીય માતાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભોગવી બાદમાં રૂ.4.50 લાખ અને દાગીના પડાવી તરછોડનાર અમરોલીના જ 29 વર્ષીય મરાઠી રીક્ષા ચાલકની અમરોલી પોલીસે મહિલાની ફરિયાદના આધારે દુષ્કર્મ અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
મૂળ ગીર સોમનાથની વતની 32 વર્ષીય કૃતિ (નામ બદલ્યું છે)ના લગ્ન ૧૨ વર્ષ અગાઉ સ્થાનિક યુવાન સાથે થયા હતા. બાદમાં તે પતિ સાથે સુરતના કતારગામ વિસ્તારમાં રહેવા આવી હતી. ત્યાર બાદ તેઓ અમરોલી વિસ્તારમાં રહેતા હતા ત્યારે તે બે બાળકોની માતા બનતા રત્નકલાકાર પતિને આર્થિક મદદરૂપ થવા ઘરબેઠા સાડી ઉપર સ્ટોન લગાવવાનું કામ કરતી હતી. સાડીનો માલ સામાન આપવા લાવવા માટે રીક્ષાની જરૂર હોય કૃતિ નજીકમાં રહેતા રીક્ષા ચાલક રાહુલ સંતોષભાઈ નેરકર (રહે.એલ.આઈ.જી. ડી-901, ગણેશ રેસીડેન્સી, અમરોલી, સુરત) ને જયારે બોલાવતી ત્યારે તે આવતો હતો અને થોડા સમયમાં તેમનો પરિચય પ્રેમસંબંધમાં પરિણમતા રાહુલે કૃતિને પોતાના ઘરે કોઈ નહોતું તે સમયે લઇ જઈ લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંઘ્યો હતો. ત્યાર બાદ તેઓ રાહુલના ઘરે કોઈ ન હોય ત્યારે મળતા હતા અને તે સમયે તે સંબંધ બાંધતો હતો. રાહુલે ત્યાર બાદ કૃતિ પાસે ટુકડે ટુકડે રૂ. 4.50લાખ પણ લીધા હતા. કૃતિએ રાહુલના કહેવાથી પતિને તા.26 સપ્ટેમ્બરના રોજ છૂટાછેડા આપ્યા હતા અને વરાછામાં એક રૂમ ભાડે રાખી રહેવા લાગી હતી. પણ રાહુલ ત્યાં અવારનવાર આવતો હોય મકાન માલિકે રૂમ ખાલી કરાવ્યો ત્યારે રાહુલનો મિત્ર અને ભાઈ તેનો તમામ સામાન રાહુલના મિત્રના ઘરે મૂકી આવ્યા હતા. તે સમયે રાહુલ કૃતિને તેની બહેનના ઘરે લઈ ગયો હતો અને ત્યાં ત્રણ દિવસ રાખી ત્યારે પણ સંબંધ બાંઘ્યો હતો. થોડા દિવસ બાદ રાહુલના માતા-પિતા અને ભાઈ આવતા કૃતિએ લગ્નની વાત કરતા તેમણે તુ ગુજરાતી છે, અમે મરાઠી છીએ, તારા લગ્ન થઈ શકે નહી તેમ કહી મારઝુડ કરી પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મુકતા રાહુલે કૃતિને તેના વતન મોકલી આપી હતી.
કૃતિએ પોતાના સામાનમાં સોનાના દાગીના હતા તે રાહુલને આપવા કહ્યું તો તેણે આ પધું કંઇ મળશે નહીં અહીંયાથી ચુપચાપ નીકળી જા અને મારા વિરુઘ્ધ કોઇ કાર્યવાહી કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી તેને બસમાં બેસાડી દીધી હતી. વતન પહોંચી માતાના ઘરમાં આશરો લેનાર કૃતિએ પરિવાર સાથે ચર્ચા વિચારણા બાદ ગતરોજ રાહુલ વિરુદ્ધ અમરોલી પોલીસ મથકમાં દુષ્કર્મ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા પોલીસે મૂળ નાસીકના દેવુર ગામના 29 વર્ષીય રાહુલ નેરકરની ધરપકડ કરી હતી.










