સુરતમાં ધામધૂમ પૂર્વક શરૂ થયેલો ગણેશ ઉત્સવ આનંદ ચૌદસે ગણેશ વિસર્જન સાથે પુરો થયો છે. સુરત શહેરમાં શનિવારે સવારે 6 વાગ્યાથી ગણેશ વિસર્જનની કામગીરી કરવામાં આવી હતી તે બીજા દિવસે એટલે કે રવિવારે સવારે 10 વાગ્યે સંપન્ન થઈ છે. સુરતના વિવિધ કૃત્રિમ તળાવ બે દરિયા ઓવારા અને હજીરા મળી 79835 પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
ગણેશ વિસર્જન માટે સુરત પાલિકાએ 21 ઓવારા બનાવ્યા હતા જોકે તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સેન્ટ્રલ ઝોનમાં તાપી નદી કિનારે બનાવવામાં આવેલા ડક્કા ઓવારા તળાવ તાપીના પાણીમાં ગરક થઈ ગયું હતું. વિસર્જનના એક દિવસ પહેલાં તળાવ પાણીમાં ડૂબી જતાં તંત્રએ ડક્કા ઓવારા ખાતે વિસર્જન ની કામગીરી ન કરવાનો નિર્ણય લેવાયો હતો જેના કારણે પાલિકાએ બનાવેલા 21 માંથી 20 તળાવ અને હજીરા સહિતના ત્રણ ઓવારા પર વિસર્જનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સુરતમાં 80 હજારથી વધુ શ્રીજીની પ્રતિમા ની સ્થાપના થઈ હતી જેના કારણે પાલિકા અને વહીવટી તંત્રએ શ્રીજી વિસર્જન માટે તડામાર તૈયારી કરી હતી. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની ગાઈડલાઈન મુજબ પર્યાવરણની જાળવણી માટે સુરત પાલિકાએ કૃત્રિમ તળાવ બનાવ્યા હતા જેમાં શનિવારે વહેલી સવારે 6 વાગ્યાથી વિસર્જન શરૂ કરવામાં આવ્યું હતું.
ગણેશ મંડળોને પોલીસે આપેલા રુટ પર ગણેશ ભક્તોએ વાજતે ગાજતે શ્રીજીની શોભાયાત્રા કાઢી હતી. ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આ ના નારા સાથે ભીની આંખે ગણેશ ભક્તોએ બાપ્પાને વિદાય આપી હતી. વરસાદી ઝાંપટા વચ્ચે ગણેશજીની વિસર્જન યાત્રા સવારે છ વાગ્યે શરૂ કરવામાં આવી હતી તે બીજા દિવસે એટલે કે રવિવારે સવારે 10 વાગ્યે પૂરી થઈ હતી.

સુરત પાલિકાના 9 ઝોનમાં બનાવેલા ગણેશ વિસર્જન માટેના કૃત્રિમ તળાવ અને મગદલ્લા ઓવારા, ડુમસ નાવડી ઓવારા અને હજીરા જેટી ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ ગણેશજીની પ્રતિમા લિંબાયત ખાતે 25904 પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું જ્યારે સૌથી ઓછી પ્રતિમા સેન્ટ્રલ ઝોનમાં 607 પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જ્યારે મગદલ્લા અને ડુમસ ઓવારા પર 4927 અને હજીરા ખાતે 4395 પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વિસર્જન પ્રક્રિયા સતત 28 કલાક ચાલી હતી જેમાં 79835 પ્રતિમાનું વિસર્જન કરાયું હતું.
વિસર્જન પ્રક્રિયાનું 88 કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવ્યું
સુરત શહેરમાં 80 હજારથી વધુ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી અને અનેક મંડળો અને રહેણાંક સોસાયટી દ્વારા ઘર આંગણે જ વિસર્જન કરવામાં આવ્યું હતું જ્યારે 79835 પ્રતિમાનું વિસર્જન કૃત્રિમ તળાવ અને દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે થાય અને કૃત્રિમ તળાવ તથા અન્ય જગ્યાએ તેના પર નજર રાખી શકાય તે માટે 88 સીસીટીવી કેમેરા લગાવી મોનીટરીંગ કરવામાં આવ્યું હતું.

સુરત શહેરમાં ગણેશોત્સવ દરમિયાન સુરત પાલિકાએ કૃત્રિમ તળાવ ઉપર સુરત મહાનગરપાલિકા દ્વારા 80 સી.સી.ટીવી કેમેરા તેમજ મગદલ્લા ઓવારા પર 8 સી.સી.ટીવી કેમેરા સહિત 88 સી.સી.ટીવી કેમેરા લગાડવામાં આવ્યા હતા. જેનું મોનીટરીંગ પોલીસ કમિશનરની કચેરી તથા સુરત મહાનગરપાલિકાના ICCC કંટ્રોલ રૂમ થી કરવામાં આવ્યું હતું.










