![]()
ખેડૂતોને ખેતપાક નુકસાનની સહાય તાત્કાલિક આપવા માગણી
ખેતરોમાં સતત પાણી ભરાઈ રહેતા કપાસ, જુવાર સહિતના પાક જેનું આગોતરૃ વાવેતર થયું તેમાં નુકસાનનું જોખમ વધુ
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ૫ાંચ-છ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોના કપાસ સહિતના પાકો વરસાદી પાણીમાં ડુબી જતા બળી જવાની શક્યતાઓ સેવાઈ રહી છે જ્યારે બીજી બાજુ કપાસ, મગફળી, જુવાર સહિતના પાકમાં અંદાજે ૫૦થી ૬૦ ટકા નુકસાન થયું હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે જો આગામી દિવસોમાં પણ વરસાદ સતત વરસતો રહેશે તો ખેતીમાં મોટાપાયે નુકસાન થવાની અને ખેડૂતો પાયમાલ થઈ જશે તેવી સ્થિતિ સર્જાશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં કપાસ, મગફળી, જુવાર, અડદ સહિતના પાકોનું અંદાજે ૫.૫૦ લાખ હેકટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જે પૈકી સૌથી વધુ અંદાજે ૩.૬૦ લાખ હેકટર જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. હાલમાં છેલ્લા થોડા દિવસોથી સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં વરાપ વગર સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જિલ્લામાં ખેતીમાં વ્યાપક નુકસાની થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
સતત વરસાદના કારણે હાલ અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા કપાસ સહિતના પાક બળી રહ્યાં છે તેમજ ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહેવાથી બિનજરૃરી ઘાસ પણ ઉગી નીકળ્યું છે જ્યારે ખેતરોમાં પાણી ભરાયા હોવાથી ખેડૂતો નિંદામણ કરવા પણ જઈ શકે તેવી સ્થિતિ નથી. ખેડૂતોએ એકતરફ મોંઘા ભાવના બિયારણ અને દવાનો છંટકાવ કરી હજારો રૃપિયા ખર્ચ કરી તનતોડ મહેનતથી પાક તૈયાર કર્યો હતો પરંતુ કુદરત પણ જાણે ખેડૂતોથી રીસાઈ હોય તેમ સતત વરસાદના કારણે લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે અને હાલમાં કપાસ સહિતના પાકમાં અંદાજે ૫૦થી ૬૦ ટકા જેટલું નુકશાન દેખાઈ રહ્યું છે ત્યારે જો આગામી સમયમાં પણ સતત વરસાદ પડશે તો ખેડૂતોના તમામ પાક નિષ્ફળ જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જીલ્લામાં ગત વર્ષે પણ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાન થયું હતું પરંતુ હજુ સુધી ખેડૂતોને તે સહાય પણ ચુકવવામાં આવી નથી ત્યારે ફરી એકવાર કુદરતના કહેર સામે ખેડૂતો મજબુર બન્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા ખેતીમાં નુકશાન અંગે ખેડૂતોને સહાય ચુકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.










