![]()
મુંબઈ : ભારતીય શેર બજારોમાં આજે-સોમવારે સંવત ૨૦૮૧એ શેરોમાં સાર્વત્રિક તેજી સાથે વિદાય લીધી હતી. એશીયાના બજારોમાં સાર્વત્રિક તેજી સાથે યુરોપના બજારોમાં મજબૂતીએ ફંડોએ તેજી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની ઔદ્યોગિક, આર્થિક વૃદ્વિનો નવો અધ્યાય શરૂ થયો હોવાનું અને મેઈક ઈન ઈન્ડિયાના મિશનમાં કોર્પોરેટ ઈન્ડિયા ઉત્સાહભેર જોડાઈ ગયા હોઈ સ્થાનિક સંસ્થાકીય અને રિટેલ રોકાણકારોના વધતાં વિશ્વાસ અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ પણ તક ચૂકી જવાના વસવસા વચ્ચે શેરોમાં ખરીદદાર બનવા લાગતાં બજાર સેન્સેક્સ, નિફટી બેઝડ વિક્રમી તેજી તરફ રોકેટગતિએ આગળ વધ્યું હતું. સેન્સેક્સ ૪૧૧.૧૮ પોઈન્ટ વધીને ૮૪૩૬૩.૩૭ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૩૩.૩૦ પોઈન્ટ વધીને ૨૫૮૪૩.૧૫ બંધ રહ્યા હતા.
હેલ્થકેર ઈન્ડેક્સ ૩૬૪ ઉછળ્યો
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં ફંડોએ આજે ફરી મોટી ખરીદી કરી હતી. નવા સંવત ૨૦૮૨માં હેલ્થકેર ક્ષેત્રે શેરોમાં રોકાણ પર સારી તકોની અપેક્ષાએ ફંડોએ આજે વેલ્યુબાઈંગ કર્યું હતું. એસ્ટરડીએમ રૂ.૧૫.૮૦ વધીને રૂ.૭૧૮.૬૦, બાયોકોન રૂ.૭.૯૫ વધીને રૂ.૩૬૪, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ રૂ.૨૬.૪૦ વધીને રૂ.૧૨૮૨.૪૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૬૩.૫૧ પોઈન્ટ વધીને ૪૫૨૬૮.૮૭ બંધ રહ્યો હતો.
આઈટી-સોફ્ટવેર શેરોમાં ઘટાડે ફંડોની ખરીદી
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ઘટાડે ફંડોએ મોટી ખરીદી કરી હતી. સિએન્ટ રૂ.૨૩.૭૫ વધીને રૂ.૧૧૯૫.૫૫, ટીસીએસ રૂ.૫૧.૬૫ વધીને રૂ.૩૦૧૪.૨૫, પર્સિસ્ટન્ટ રૂ.૮૪.૨૦ વધીને રૂ.૫૮૩૯.૯૫, ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ રૂ.૧૧ વધીને રૂ.૫૮૬.૧૦, ઓરિએન્ટ ટેકનોલોજી રૂ.૯.૦૫ વધીને રૂ.૪૬૪.૦૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૨૬.૮૪ પોઈન્ટ વધીને ૩૪૫૦૬.૨૯ બંધ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં નવેસરથી તેજી
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ નવેસરથી તેજીના મંડાણ કરીને આજે મિડ સાઈઝ બેંકો અને લાર્જ બેંકિંગ શેરોમાં તેજી કરી હતી. આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૫ વધીને રૂ.૭૬.૯૧, ફેડરલ બેંક રૂ.૧૪.૭૦ વધીને રૂ.૨૨૭.૧૦, બેંક ઓફ બરોડા રૂ.૭.૦૫ વધીને રૂ.૨૭૧.૪૦, એક્સિસ બેંક રૂ.૨૬ વધીને રૂ.૧૨૨૬.૧૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૭.૫૦ વધીને રૂ.૯૦૬.૮૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૮.૨૦ વધીને રૂ.૭૫૯.૬૫ રહ્યા હતા.
મિડ સાઈઝ બેંકોમાં તેજી
સ્મોલ, મિડ સાઈઝ બેંકો, ફાઈનાન્સ શેરોમાં આજે વ્યાપક તેજી જોવાઈ હતી. સીએસએલ ફાઈનાન્સ રૂ.૧૬.૪૦ વધીને રૂ.૨૮૬.૮૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૨૧.૧૨ પોઈન્ટ વધીને ૬૫૩૭૯.૨૫ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરોમાં આકર્ષણ વધ્યું
રશીયા પાસેથી ભારતને ઓઈલ નહીં ખરીદવા ટ્રમ્પની ધમકી સામે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ સાધારણ ઘટાડા તરફી રહી બ્રેન્ટ ૪૦ સેન્ટ ઘટીને ૬૦.૮૯ ડોલર પ્રતિ બેરલ, નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડ ૪૫ સેન્ટ ઘટીને ૫૭.૦૯ ડોલર નજીક રહેતાં ઓઈલ-ગેસ શેરોમાં રિલાયન્સની આગેવાનીએ તેજી રહી હતી. રિલાયન્સ શેર રૂ.૪૯.૮૫ વધીને રૂ.૧૪૬૬.૮૦ રહ્યો હતો. પેટ્રોનેટ એલએનજી રૂ.૩.૭૦ વધીને રૂ.૨૭૯.૩૫, એચપીસીએલ રૂ.૫.૪૦ વધીને રૂ.૪૫૪, બીપીસીએલ રૂ.૨.૭૫ વધીને રૂ.૩૩૮.૪૦ રહ્યા હતા.
FPIs/FIIની કેશમાં રૂ.૭૯૦ કરોડની ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશમાં રૂ.૭૯૦.૪૫ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૧,૭૮૬.૩૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૯૯૫.૮૮ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૨૪૮૫.૪૬ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૫,૬૯૦.૩૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૨૦૪.૯૧કરોડની વેચવાલી કરી હતી.
રોકાણકારોની સંપતિ રૂ.૨.૭૬ લાખ કરોડ વધી
સેન્સેક્સ, નિફટીમાં તેજી સાથે ફંડો, ખેલંદાઓની શેરોમાં વ્યાપક તેજીના પરિણામે આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૭૬ લાખ કરોડ વધીને રૂ.૪૬૯.૬૮ લાખ કરોડ પહોંચ્યું હતું.
જાપાનનો નિક્કી ૧૬૦૩ પોઈન્ટ ઉછળ્યો
વૈશ્વિક શેર બજારોમાં આજે એશીયા, યુરોપના દેશોના શેર બજારોમાં મોટી તેજી જોવાઈ હતી. એશીયા-પેસેફિક દેશોમાં જાપાનના ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૧૬૦૩.૩૫ પોઈન્ટ ઉછળીને ૪૯૧૮૫.૫૦, હોંગકોંગનો હેંગસેંગ ૬૧૧.૭૩ પોઈન્ટ વધીને ૨૫૮૫૮.૮૩રહ્યા હતા. જ્યારે યુરોપના દેશોના બજારોમાં સાંજે ચાલુ બજારે જર્મનીનો ડેક્ષ ૩૦૦ પોઈન્ટનો ઉછાળો, લંડન શેર બજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૪૫ પોઈન્ટનો સુધારો બતાવતા હતા










