![]()
મુંબઈ : અમેરિકાના વેનેઝુએલામાં તખ્તા પલટાની કવાયત અને રશીયાના યુક્રેન પર ફરી હુમલાને લઈ એક તરફ જીઓપોલિટીકલ ટેન્શન યથાવત રહેતાં અને બીજી તરફ કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના અંત પૂર્વે વૈશ્વિક ફંડો હોલી-ડે મૂડમાં આવી જતાં વૈશ્વિક બજારોમાં અથડાતી ચાલ સાથે ભારતીય શેર બજારોમાં પણ આજે સેન્સેક્સ, નિફટી બેઝડ રેકોર્ડ તેજી બાદ બજાર કોન્સોલિડેશનના તબક્કામાં સરકતું જોવાયું હતું. ફંડોએ આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યા સાથે હેલ્થકેર શેરોમાં નવી ખરીદી અટકાવી હતી. જ્યારે મેટલ-માઈનીંગ શેરોમાં અરાવલ્લી પહાડીઓમાં ખાણકામ સંબંધિત ડેવલપમેન્ટે ફંડોનું પસંદગીનું આકર્ષણ યથાવત રહ્યું હતું. એકંદર સેન્સેક્સ-નિફટી બેઝડ બજારમાં અથડાતી ચાલ જોવાઈ હતી. સેન્સેક્સ ૮૫૭૦૫થી ૮૫૩૪૨ વચ્ચે અથડાઈ અંતે ૪૨.૬૪ પોઈન્ટ ઘટીને ૮૫૫૨૪.૮૪ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૬૨૩૪થી ૨૬૧૧૯ વચ્ચે અથડાઈ અંતે ૪.૭૫ પોઈન્ટ વધીને ૨૬૧૭૭.૧૫ બંધ રહ્યો હતો. આવતીકાલે ૨૫, ડિસેમ્બરના ગુરૂવારે ક્રિસમસ નિમિતે શેર બજારો બંધ રહેશે.
આઈટી ઈન્ડેક્સ ૨૭૦ પોઈન્ટ ઘટયો
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ચાર દિવસની તેજીને બ્રેક લાગી ફ્રન્ટલાઈન શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. ઈન્ફોસીસ રૂ.૨૧.૬૦ ઘટીને રૂ.૧૬૬૮.૧૦, કોફોર્જ રૂ.૮૯.૩૫ ઘટીને રૂ.૧૭૭૮.૮૦,આરસિસ્ટમ્સ રૂ.૧૧.૧૫ ઘટીને રૂ.૪૦૮.૭૦, ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ રૂ.૯.૩૫ ઘટીને રૂ.૪૫૯.૫૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૭૦.૨૬ પોઈન્ટ ઘટીને ૩૭૯૨૨.૭૬ બંધ રહ્યો હતો.
મેટલ ઈન્ડેક્સ ૧૮૪ પોઈન્ટ વધ્યો
માઈનીંગ ક્ષેત્રે સુપ્રિમ કોર્ટના ડેવલપમેન્ટને લઈ માઈનીંગ તકો વધવાની અને કંપનીઓની નફાશક્તિ વધવાની અપેક્ષાએ ફંડોએ મેટલ-માઈનીંગ શેરોમાં પસંદગીની ખરીદી ચાલુ રાખી હતી. ટાટા સ્ટીલ રૂ.૧.૭૫ વધીને રૂ.૧૭૦.૯૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૫.૧૫ વધીને રૂ.૭૯૭.૪૫, એપીએલ અપોલો રૂ.૭.૧૦ વધીને રૂ.૧૮૬૭.૯૦, વેદાન્તા રૂ.૧ વધીને રૂ.૫૮૬.૫૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૮૪.૧૩ પોઈન્ટ વધીને ૩૫૪૮૬.૧૩ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં પ્રોફિટ બુકિંગ
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં નવી ખરીદી અટકીને પસંદગીના શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. સાંઈ લાઈફ રૂ.૧૧.૧૦ ઘટીને રૂ.૯૦૦.૭૫, બજાજ હેલ્થકેર રૂ.૫.૫૫ ઘટીને રૂ.૪૧૫.૪૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૯૭.૧૪ પોઈન્ટ ઘટીને ૪૪૧૬૭.૭૭ બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં સિલેક્ટિવ તેજી
એફએમસીજી શેરોમાં ફંડોએ આજે પસંદગીનું વેલ્યુબાઈંગ કર્યું હતું.કેઆરબીએલ રૂ.૭.૯૦ વધીને રૂ.૪૦૨.૯૦, હોનાસા રૂ.૫.૩૦ વધીને રૂ.૨૭૧.૯૦, આઈટીસી લિમિટેડ રૂ.૫.૧૦ વધીને રૂ.૪૦૭.૬૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૯૬.૯૯ પોઈન્ટ વધીને ૨૦૩૧૦.૩૮ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં પસંદગીની ખરીદી
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે સિલેક્ટિવ મર્યાદિત ખરીદી રહી હતી. એક્સાઈડ રૂ.૪.૧૦ વધીને રૂ.૩૭૦.૨૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૩.૯૦ વધીને રૂ.૩૬૩.૧૦, હીરો મોટોકોર્પ રૂ.૪૫.૪૦ વધીને રૂ.૫૭૪૨.૬૫, અપોલો ટાયર રૂ.૨.૭૦ વધીને રૂ.૫૧૨.૩૦, બોશ રૂ.૧૬૪.૪૦ વધીને રૂ.૩૬,૩૦૮.૭૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૦.૩૫ વધીને રૂ.૩૬૨૪.૮૦ રહ્યા હતા.
FPIs/FIIની રૂ.૧૭૯૫ કરોડની વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશમાં રૂ.૧૭૯૪.૮૦ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૭૦૩૫.૨૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૮૩૦.૦૬ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૩૮૧૨.૩૭ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી.
રોકાણકારોની સંપતિ રૂ.૩૮ હજાર કરોડ વધ્યું
સેન્સેક્સ, નિફટીમાં તેજીને વિરામ મળ્યા સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં સિલેક્ટિવ ખરીદી રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે સાધારણ રૂ.૩૮ હજાર કરોડ વધીને રૂ.૪૭૫.૭૦ લાખ કરોડ રહ્યું હતું.










