![]()
– ડોલર ઇન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં વધ્યા ભાવથી ઝડપી ઘટાડો
– પ્લેટીનમમાં 100 ડોલરની બે તરફી ઉછળકૂદ : અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરતાં વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ ઉંચકાયા
મુંબઇ : મુંબઇ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી ઝડપી ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં ઉછાળે ફંડોની વેચવાલી બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં ભાવ ઘટતા ઘર આંગણે ઇમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં દેશના ઝવેરી બજારોમાં આજે સોના- ચાંદીમાં વધ્યા મથાળે નવી માગના અભાવે માનસ ઉછાળે વેંચવાનું રહ્યું હતું.
વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ ઉંચકાતા વૈશ્વીક સોનામાં ઉછાળા ઉભરા જેવા નિવડયા હતા. ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ નીચામાં ૯૮.૧૫ તથા ઉંચામાં ૯૮.૪૯ થઇ ૯૮.૪૩ રહ્યાના સમાચાર હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૩૯૩થી ૪૩૯૪ ડોલરવાળા ઘટી છેલ્લે સપ્તાહના અંતે ૪૩૩૨થી ૪૩૩૩ ડોલર બોલાઇ રહ્યા હતા. દરમિયાન, મુંબઇ બુલીયન બજારમાં આજે બંધ બજારે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯૫ના રૃા. ૧૩૪૨૪૨ વાળા ઘટી રૃા. ૧૩૩૭૦૦ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૃા. ૧૩૪૭૮૨ વાળા રૃા. ૧૩૪૨૫૦ રહ્યા હતા. મુંબઇ ચાંદીના ભાવ જીએસટી વગર કિલો દીઠ રૃા. ૨૩૪૫૫૦ વાળા ઘટી રૃા. ૨૩૨૭૦૦ રહ્યા હતા. મુંબઇ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના ૭૪.૦૫થી ૭૪.૦૬ ડોલરથી ગબડી છેલ્લે ભાવ ૭૨.૮૧થી ૭૨.૮૨ ડોલર રહ્યા હતા.
દરમિયાન, વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ૨૧૪૩થી ૨૧૪૪ વાળા ઉંચામાં ભાવ ૨૧૭૪ તથા નીચામાં ભાવ ૨૦૭૩ થઇ છેલ્લે ભાવ ૨૧૪૨થી ૨૧૪૩ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંસના ૧૬૫૪થી ૧૬૫૫ વાળા ઘટી છેલ્લે ભાવ ૧૬૩૬થી ૧૬૩૭ ડોલર બોલાઇ રહ્યાના નિર્દેશો મળ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં કોપરના ભાવ છેલ્લે સપ્તાહના અંતે ૦.૧૭ ટકા માઇનસમાં રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડ તેલના ભાવ ઘટતા અટકી ફરી વધી આવ્યા હતા. અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યાના સમાચાર વચ્ચે ક્રૂડ તેલના ભાવ ફરી વધી આવ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૬૦.૩૩ થયા પછી વધી ૬૧.૬૮ થઇ છેલ્લે ભાવ ૬૦.૭૫ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૫૬.૯૨ તથા ઉંચામાં ૫૭.૯૩ થઇ ૫૭.૩૨ ડોલર રહ્યા હતા. ભારતનું ફોરેક્સ રિઝર્વ ૩.૨૯થી ૩.૩૦ અબજ ડોલર વધી ૬૯૬.૬૧ અબજ ડોલર થયાના નિર્દેશો હતા.
સોનું-૧,૩૩૭૦૦
ચાંદી -૨,૩૨૭૦૦










