Gold Price All Time High: ચાલુ કેલેન્ડર વર્ષમાં છેલ્લા સાડા આઠ મહિના સુધી કિંમતી ધાતુમાં જોવા મળેલી પૂરબહાર તેજીનો હવે અંત આવ્યો છે. 15 ઑક્ટોબરથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો નોંધાયો છે. સોનું તેની ઑલ ટાઇમ હાઇ સપાટીએથી રૂ. 10700 પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે. ચાંદી પણ રૂ. 1.80 લાખ પ્રતિ કિગ્રાની સર્વોચ્ચ ટોચથી રૂ. 35000 સસ્તી થઈ છે.
વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઇસીસ દૂર થતાં તેમજ આર્થિક સ્થિરતાના સંકેતોના કારણે કિંમતી ધાતુમાં પ્રોફિટ બુકિંગ વધ્યું છે. વૈશ્વિક સ્તરે પણ સોના-ચાંદીના ભાવમાં નોંધનીય ઘટાડો નોંધાતા સ્થાનિક બજારોમાં પણ તેજી અટકી છે. અમદાવાદમાં સોનું 14 ઑક્ટોબરે તેની રૂ. 1,31,700 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચથી આજે રૂ. 10700 તૂટ્યું છે. આજે તે રૂ. 1,21,500 પ્રતિ 10 ગ્રામ આસપાસ ક્વોટ થઈ રહ્યું છે. જ્યારે ચાંદી પણ તેની રૂ. 1,80,000ની ટોચથી રૂ. 35000 ઘટી આજે રૂ. 1,45,000 પ્રતિ કિગ્રાની આસપાસ બોલાઈ રહી છે.
સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનું કારણ
1. વૈશ્વિક સ્થિરતા વચ્ચે પ્રોફિટ બુકિંગઃ અમેરિકામાં ફુગાવો અપેક્ષા કરતાં સુધર્યો છે. તેમજ જિઓ-પોલિટિકલ તણાવ પણ ઘટ્યો છે. વૈશ્વિક સ્થિરતા વચ્ચે રોકાણકારો સોના-ચાંદીની તેજીમાં મોટાપાયે પ્રોફિટ બુક કરી રહ્યા છે. ચાંદીની અનેકગણી માગ વચ્ચે સ્ટોકિસ્ટોએ બજારમાં ચાંદીની અછત ઊભી કરતાં વેચાણ વધ્યું છે.
2. ઈક્વિટી બજારમાં રોકાણઃ વૈશ્વિક સ્તરે સ્થિરતા અને ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની શક્યતા સાથે ફરી પાછું ઈક્વિટી બજાર ધમધમી ઉઠ્યું છે. વિદેશી રોકાણકારો પણ ઈક્વિટી બજાર તરફ ડાયવર્ટ થયા છે. જેના પગલે સોના-ચાંદીની ડિમાન્ડ ઘટી છે.
3. ટ્રેડવોરની ભીતિ ઘટીઃ અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરના સમાધાન માટે વાટાઘાટો ચાલી રહી છે. બંને દેશ સકારાત્મક નિર્ણયો લઈ ટ્રેડવોર ખતમ કરવાની તકમાં હોવાના અહેવાલ છે. વધુમાં ઈઝરાયલ-ગાઝા વચ્ચે શાંતિ કરાર, થાઇલૅન્ડ-મલેશિયા વચ્ચે પણ શાંતિ કરાર મંત્રણા, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે ચર્ચા જેવા પરિબળો આર્થિક સ્થિરતાનો સંકેત આપી રહ્યા છે. જેથી કિંમતી ધાતુની માગ ઘટી છે.
આ વર્ષે સોનું 53000 રૂપિયા મોંઘું
ચાલુ કેલેન્ડર વર્ષમાં વૈશ્વિક પરિબળોના પગલે સોના-ચાંદીના ભાવમાં અનેકગણો વધારો જોવા મળ્યો છે. આ વર્ષે સોનાની કિંમત રૂ. 53000 વધી છે. જે 14 ઑક્ટોબરના રોજ રૂ. 1,31,700 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યું હતું. ચાંદીએ પણ રૂ. 1,80,000 પ્રતિ કિગ્રાની રૅકોર્ડ ટોચ નોંધાવી હતી. તેનો ભાવ 31 ડિસેમ્બર, 2024ના રોજ રૂ. 86500 પ્રતિ કિગ્રા હતો. જેમાં રૂ. 93500નો અધધધ ઉછાળો જોવા મળ્યો છે. જો કે, તેમાં તેજીનો બબલ હવે ફૂટી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 10 દિવસમાં જ તેમાં રૂ. 35000નો કડાકો નોંધાયો છે.











