![]()
આસ્થાની સાથે આત્મનિર્ભરતાનો અનોખો સંગમ : મહાદેવને શ્રધ્ધાપૂર્વક અર્પણ કરાયેલા પીતાંબરને મહિલાઓ કલાત્મકતાથી વસ્ત્ર પ્રસાદના રૂપમાં પરિવર્તિત કરી રહી છે
પ્રભાસ પાટણ, : દ્વાદશ જયોતિર્લિંગોમાં પ્રથમ, ભગવાન સોમનાથની પાવન ભૂમિ પરથી આસ્થા, સ્ત્રી સશક્તિકરણનો સંગમ થઈ રહ્યો છે. અહીં, મહાદેવને અર્પણ થતાં પીતાંબર હવે માત્ર આસ્થાનું પ્રતીક નથી. પરંતુ દાદાના વસ્ત્રો ગ્રામીણ મહિલાઓના આર્થિક સ્વાવલંબનનું માધ્યમ બની રહ્યાં છે. શ્રી સોમનાથ ટ્રસ્ટની એક અનોખી પહેલ અંતર્ગત, આ પવિત્ર વસ્ત્રોમાંથી કલાત્મક અને આકર્ષક કુર્તા તૈયાર કરવામાં આવી રહ્યાં છે. દેશ વિદેશના ભક્તો સુધી મહાદેવના પ્રસાદ બનીને પહોંચી રહ્યાં છે.
સોમનાથ મહાદેવ અને માતા પાર્વતીના શૃંગારમાં ઉપયોગમાં લેવાયેલા પવિત્ર વસ્ત્રોને ૨૧,૦૦૦થી વધુ જરૂરિયાતમંદો સુધી પહોંચાડી ચૂક્યું છે. હવે આ જ ભાવનાને આગળ વધારતા, ટ્રસ્ટે આસ્થાને આત્મનિર્ભરતા સાથે જોડી છે. સોમનાથ ટ્રસ્ટે વિશેષ પ્રશિક્ષણ કાર્યક્રમો દ્વારા ગ્રામીણ મહિલાઓના કૌશલ્યને નિખાર્યું છે. આ મહિલાઓ હવે મહાદેવને શ્રધ્ધાપૂર્વક અર્પણ કરાયેલા પીતાંબરને ખૂબ જ કલાત્મકતાથી વસ્ત્ર પ્રસાદના રૂપમાં પરિવર્તિત કરી રહી છે. આ કુર્તાઓની વિશેષતા માત્ર તેમનું પવિત્ર મૂળ જ નથી, પરંતુ તેમની આધુનિક ડિઝાઈન પણ છે. રંગબેરંગી, ડિઝાઈનર કોલર અને ડમરૂ, ત્રિશુલ, શિખર સહિતની શિવ-તત્વ સાથે જોજડાયેલી વિશેષ બેક પ્રિન્ટ સાથે તૈયાર કરાયેલા આ કુર્તા આજના સમયમના ફેશન ટ્રેન્ડને પણ પૂરા કરે છે. સોમનાથની નજીકના ગામડાઓની મહિલાઓ, જે આ પહેલા સાથે જોડાયેલી છે. તેઓ કહે છે, પહેલા અમે ઘરના કામો સુધી જ સીમિત હતા. પરંતુ ટ્રસ્ટે અમને તાલીમ આપી અને આજે અમારા હાથથી બનેલા કુર્તા ભગવાનના આર્શીવાદ બનીને દેશના ખૂણે ખૂણે પહોંચશે.










