![]()
વડોદરા,પદમલા ગામે આજે વહેલી સવારે એક ગાય બસ સ્ટેન્ડ પર સ્કૂલે જવા ઉભેલા બાળકોને મારવા દોડી હતી. લોકોએ દોડી આવી બાળકોને બચાવ્યા હતા. આ ગાયે ચાલતા જતા પ્રૌઢને ભેટી મારતા માથામાં ગંભીર ઇજા થઇ હતી.
શહેર નજીકના પદમલા ગામે અલકાપુરી ફળિયામાં રહેતા ૫૨ વર્ષના ચંદુભાઇ મેલાભાઇ ચરોતરા આજે સવારે નોકરીથી છૂટીને ઘરે ચાલતા આવતા હતા. તેઓ પદમલા ગામ બસ સ્ટેશન પાસેથી ચાલતા જતા હતા. તે દરમિયાન એક ગાયે પાછળથી આવીને તેઓને ભેટી મારતા તેઓ રોડ પર ફંગોળાઇને પડયા હતા.તેઓને માથામાં ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત ચંદુભાઇને માથામાં પાંચ ટાંકા આવ્યા છે. તેમના પુત્રે જણાવ્યું હતું કે, આજે સવારે એક ગાય રસ્તા પર જતા લોકોને મારવા દોડતી હતી. વહેલી સવારે સ્કૂલે જવા માટે બસની રાહ જોઇને ઉભેલા બાળકો તરફ પણ આ જ ગાય મારવા દોડી હતી. જેના પગલે ગભરાયેલા બાળકોએ બૂમાબૂમ કરી મૂકતા લોકો દોડી આવ્યા હતા અને ગાયને ભગાડી હતી.










