![]()
બંધ થઈ ગયેલા સરકારી અનાજના પ્રશ્ને રજૂઆત કરવા આવ્યા બાદ
પતિ સાથે આવેલી મહિલાએ ઝેરી દવા ગટગટાવી લેતા તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડવામાં આવી
ગાંધીનગર : રાજ્યના વહીવટી તંત્રના હાર્દ સમાન ગાંધીનગર સચિવાલય ખાતે
આજે એક ચોંકાવનારી ઘટના બની હતી. સ્વર્ણિમ સંકુલ-૧માં બંધ થઈ ગયેલા સસ્તા અનાજની
સમસ્યાની રજૂઆત કરવા પતિ સાથે આવેલી અંકલેશ્વરની એક મહિલાએ એસટી ડેપોમાં દવા પીધા
બાદ સચિવાલયમાં તબીયત લથડતાં દોડધામ મચી ગઈ હતી.
આ ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ
અંકલેશ્વરના વતની ૪૫ વર્ષીય શીતલબેન માલવીયા
આજે તેમના પતિ સાથે ગાંધીનગર સચિવાલય ખાતે આવ્યા હતા. જાણવા મળ્યા મુજબ, તેઓ અનાજ વિતરણને
લગતા કોઈ પ્રશ્નની રજૂઆત કરવા માટે ઉચ્ચ કક્ષાએ આવ્યા હતા. જોકે, સ્વણમ સંકુલ-૧માં
હાજર હતા ત્યારે જ મહિલાએ અગમ્ય કારણોસર પોતાની પાસે રહેલી ઉંદર મારવાની ઝેરી દવા
ગટગટાવી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થળ પર હાજર સુરક્ષા કર્મીઓ અને અન્ય લોકોએ
તાત્કાલિક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી. મહિલાને ગંભીર હાલતમાં સારવાર અર્થે
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના
સૂત્રોએ જણાવ્યું હતું કે,
આજે બપોરે ૪ વાગ્યાના સુમારે શીતલબેન માલવીયા નામની મહિલાને એમ્બ્યુલન્સ
મારફતે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. દર્દીએ ઉંદર મારવાની દવા પીધી હોવાનું
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. શરૃઆતમાં તેમને કેઝયુઅલ્ટી વોર્ડમાં દાખલ કરી
જરૃરી સારવાર આપવામાં આવી હતી. હાલ મહિલાની તબિયત સ્થિર છે અને તેમને
કેઝયુઅલ્ટીમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. બીજી બાજુ આ અંગે સેક્ટર ૭ પોલીસ દ્વારા પણ
સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જો કે મહિલાએ પોલીસ સમક્ષ નિવેદનમાં
જણાવ્યું હતું કે તેમને ગાંધીનગર એસટી
ડેપોમાં દવા પીધી હતી અને તેમની તબીયત સચિવાલય સંકુલમાં જઇને લથડી હતી.










