![]()
વડોદરા : પાદરા તાલુકાના ચોકારી ગામમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવકનું
અપહરણ કરી તેને ઝાડ સાથે બાંધી લાકડીના ફટકા મારી મોત નિપજાવવાના બનાવમાં
સંડોવાયેલા ચાર આરોપીએ ૩૦ દિવસના વચગાળાના જામીન માગતા અદાલતે તમામ અરજદારની અરજી
નામંજૂર કરી હતી.
કેસની વિગત એવી છે કે, વર્ષ ૨૦૨૧માં ચોકારી ગામમાં રહેતા જયેશ રાવળ
નામના યુવકનું ગામમાં જ રહેતા માળી કાલીદાસ મોહનભાઇ,માળી
રમેશભાઇ મોહનભાઇ,માળી કિરણભાઇ કાલીદાસ અને માળી મોહનભાઇ
બેચરભાઇએ અપહરણ કર્યું હતું. આરોપીઓ પહેલા આરોપીના ઘરે ગયા હતા અને તેમણે તુ કેમ
યુવતી સાથે પ્રેમ સબંધ રાખે છે તેમ જણાવી માર માર્યો હતો. યુવકને બચાવવા માચે
મૃતકની માતા તેમજ અન્ય બે મહિલા વચ્ચે પડતા આરોપીઓએ તેમને ધક્કો મારી પાડી દીધા
હતા અને યુવકનું અપહરણ ફરાર થઇ ગયા હતા.
આરોપીઓએ યુવકને ઝાડ સાથે બાંધી તેને લાકડીથી ઢોર માર માર્યો હતો
જેના કારણે તેનું મોત થયું હતું. પોલીસે આ બનાવમાં ચારે આરોપીની ધરપકડ કરી હતી હાલ
જેલમાં રહેલા આરોપીઓએ ૩૦ દિવસના વચગાળાના જામીન માગતી અરજી કરી રજૂઆત કરી હતી કે, તેમના
ઘરમાં કોઇ કમાનાર નથી અને તેમના સંતાનોને ભુખમરાનો સામનો કરવો પડે તેવી સ્થિતિ
સર્જાઇ હોઇ ખેતી કામની વ્યવસ્થા માટે ૩૦ દિવસના જામીન આપવામાં આવે. જામીન અરજીમાં
પોલીસે જામીન આપવા જોઇએ નહી તેવો અભિપ્રાય આપતા અદાલતે તમામ અરજદારની અરજી રદ કરી
હતી.










