![]()
રાજકોટની મવડી ચોકડી પાસેના સ્પામાં દરોડો રૂપલલના મળી આવતાં સાક્ષી બનાવાઈ : છેલ્લા 2 વર્ષથી કૂટણખાનું ચાલતું હોવાની શકયતા : શહેરમાં છેલ્લા ચાર માસમાં 16 સ્પા અને હોટલોમાંથી કૂટણખાના પકડાયા
રાજકોટ, : શહેરમાં સ્પાના ઓઠા નીચે ધમધમતાં કૂટણખાના ઉપર પોલીસની ધોંસ છતાં પરિસ્થિતિ જૈસે-થે જેવી છે. જેનો મતલબ છે કે કૂટણખાનાના સંચાલકોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. મવડી ચોકડી નજીકની સોસાયટીમાં આવેલાં સ્પામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એટલે કે એએચટીયુની ટીમે દરોડો પાડી કૂટણખાનું પકડી પાડયું હતું.
આ સ્પા કમ કૂટણખાનું તાલુકા પોલીસ મથકમાં જ નોકરી કરતો હોમગાર્ડનો જવાન ઋષિ સુરેશ જાની, અગાઉ જીઆરડીમાં ફરજ બજાવતો સુનિલ નાથાભાઈ ચાવડા અને કાર લે-વેચનું કામ કરતો વિશાલ ચલાવતા હતા. આ ત્રણેય આરોપીઓ હાજર નહીં મળતાં વોન્ટેડ દર્શાવાયા છે.
હોમગાર્ડનો જવાન ઋષિ પોતે તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતો હોવાથી તેને ખાત્રી હતી કે તેના સ્પા ઉપર રેઈડ નહીં પડે. આમ છતાં તેણે પોતાના સ્ટાફને પોલીસની ગતીવીધીઓ ઉપર નજર રાખવા માટે સૂચના આપી દીધી હતી. એએચટીયુની ટીમે ડમી ગ્રાહકને મોકલતાં તેની પાસેથી રૂા. 1,000 એન્ટ્રી ફીના અને એકસ્ટ્રા સર્વિસ માટે રૂા. 2,000 વસૂલાયા હતા.
તે સાથે જ ખાત્રી થતાં એએચટીયુની ટીમે દરોડો પાડી હાઉસકિપર તરીકે કામ કરતાં સુશાંત પદમ સરકી (ઉ.વ. 25, રહે. લાભમૂળ એપાર્ટમેન્ટ, અમરનાથ પ્લોટ-1, કાલાવડ રોડ) અને રિસેપ્સનિષ્ટ ગુંજાદેવી કિશન શાહ (ઉ.વ. 39, રહે. મૂળ દિલ્હી)ની ધરપકડ કરી હતી. સ્પામાંથી દિલ્હીની બે અને પશ્ચિમ બંગાળની એક મળી કુલ ત્રણ રૂપલલના મળી આવી હતી.
પાંચ મોબાઈલ ફોન સહિત કુલ રૂા. 25,459 નો મુદ્દામાલ કબજે કરી તાલુકા પોલીસ મથકમાં એએચટીયુની ટીમે ગુનો દાખલ કરાવ્યો હતો. આ સ્પા કમ કૂટણખાનું છેલ્લા 2 વર્ષથી ચાલતું હોવાની શકયતા દર્શાવાઈ છે. સંચાલક ઋષિ હોમગાર્ડનો જવાન હોવાથી પોલીસની ધોંસ હોવા છતાં કૂટણખાનું ચાલુ રાખ્યાનું તારણ નીકળ્યું છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા ચાર માસમાં 16 સ્પા અને હોટલોમાંથી કૂટણખાના પકડાયા છે.










