અમદાવાદ, રવિવાર
શહેરના દિલ્હી ચકલા વિસ્તારમાં આવેલી હયાત ઓર્થોપેડિક હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા આગની ઘટના બની હતી. જે અનુસંધાનમાં હયાત ઓર્થોપેડિક હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના મુદ્દે કાર્યવાહી કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોસ્પિટલને સીલ કરીને હોસ્પિટલમા ચાલતી પ્રવૃતિ બંધ કરવા માટે સુચના અપાઇ હતી. પરંતુ, હોસ્પિટલના સંચાલકો હયાત હોસ્પિટલના પાછળના દરવાજેથી દર્દીઓને પ્રવેશ આપીને સારવાર કરતા હોવાનું સામે આવ્યું છે.

(હોસ્પિટલનો પાછળનો દરવાજો)
હયાત હોસ્પિટલના સંચાલક ઇક્બાલ સૈયદ અને સૈજન ઇક્બાલ સૈયદ દ્વારા સીલ હોસ્પિટલની અંદર દર્દીઓની સારવાર શરૂને નિયમોનો ભંગ કર્યો છે. જે અંગેની વિગતો કોર્પોરેશનના અધિકારીઓને મળી હોવાનું જાણવા મળ્યું છે. સાથેસાથે હોસ્પિટલમાં રાતના સમયે આવેલા કેટલાંક દર્દીઓ અંગે પણ વિગતો મળી છે. ત્યારે હોસ્પિટલે મ્યુનિસિપલ કોર્પોરેશનના સીલ લગાવવાના મામલે નિયમોનો ભંગ કરતા કાયદેસરની કાર્યવાહી થઇ શકે તેમ છે.










