![]()
ઈથાનોલ બેન્ડીંગ 2014માં 1.52 ટકાથી વધીને 20 ટકા : પંપો ઉપર બોર્ડ લાગ્યાઃ ચોમાસામાં પેટ્રોલની ટાંકીમાં જરા પણ પાણી ન આવે તે જોજો, નહીં સ્ટાર્ટીંગનો પ્રોબ્લેમ થશે
રાજકોટ, : કોઈ પણ પેટ્રોલપંપ ઉપર ટુ વ્હીલરમાં એક લિટર પેટ્રોલ પૂરાવો તો બાકાયદા વાહનની ટાંકીમાં 80 ટકા (800 મિ.લિ. ) પેટ્રોલ સાથે 20 ટકા (200 મિલિ) ઈથોનોલ પૂરી દેવામાં આવશે અને ભાવ પૂરા પેટ્રોલના જ વસુલાશે. ઈથાનોલ એ એક પ્રકારનું આલ્કોહોલ છે જે શેરડી અથવા તો બાયોમાસના સ્ટાર્ચમાંથી બનાવાય છે જેનું C2H6o રાસાયણિક બંધારણ છે.
સરકારની ઝૂંબેશના પગલે ઈ.સ. 2014માં પેટ્રોલમાં 1.53 ટકા ઈથાનોલ ભેળવવાની શરૂઆત થઈ હતી અને ગત વર્ષે આ બેન્ડીંગ 15 ટકા વધીને 20ટકાએ પહોંચી ગયું છે. આનાથી શેરડીના ભાવ ખેડૂતોને ઉંચા મળવા, ક્રૂડ આયાતમાં વિદેશી હૂંડિયામણની બચતના લાભ વર્ણવાતા રહ્યા છે પરંતુ, સામાન્ય વાહનચાલકોને કોઈ ફાયદો થયો નથી. આજે પણ શહેરમાં પેટ્રોલ રૂ।. 94-25 પૈસાના ભાવે જ વેચાય છે અને તેમાં નોંધપાત્ર ઘટાડો થયો નથી.
ઈથાનોલ બેન્ડીંગ સાથેનું પેટ્રોલ ટુ વ્હીલરમાં પૂરાવવાથી એક મોટી સમસ્યા ખાસ કરીને હાલ ચોમાસાની ઋતુમાં સ્ટાર્ટીંગની થાય છે અને આ જોખમથી સુપેરે વાકેફ ઓઈલ કંપનીઓએ પેટ્રોલપંપ ઉપર ગ્રાહકોને સૂચના આપતા બોર્ડ લગાવાયા છે. રાજકોટના ગોપાલ ચોકમાં એચ.પી.પંપ ઉપર બોર્ડમાં જણાવાયું છે કે સરકારના નિર્દેશ મૂજબ પેટ્રોલ ઓઈલ કંપનીઓ હવે 20 ટકા ઈથાનોલનું મિશ્રણ કરે છે તેથી ચોમાસામાં કે સર્વિસ કરાવતી વખતે પેટ્રોલનો સંપર્ક જરા પણ પાણી સાથે ન થાય તેની તકેદારી રાખવા અન્યથા વાહન સ્ટાર્ટ કરવામાં મૂશ્કેલી સર્જાઈ શકે છે. પેટ્રોલ પુરાવ્યા પછી ટુવ્હીલર માલિકને વાહન સ્ટાર્ટ કરવામાં તકલીફ થાય ત્યારે પેટ્રોલમાં ભેળસેળ હશે ,નબળી ગુણવત્તાનું હશે તેવી શંકા સાથે પંપ વિરૂધ્ધ ફરિયાદ ન કરે તે માટે ઘણા પંપધારકો આવી સૂચના જારી કરે છે.










