![]()
વડોદરાઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા ધો.૧૨ના પરિણામ બાદ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ફરી એક વખત પ્રવેશ માટે મારામારી થવાના એંધાણ દેખાઈ રહ્યા છે.
મળતી વિગતો પ્રમાણે કોમર્સ ફેકલ્ટી દ્વારા એફવાયબીકોમમાં પ્રવેશ માટે પહેલી વખત એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવનાર છે.એન્ટ્રન્સ ટેસ્ટ અને ધો.૧૨માં મેળવેલા માર્કસના આધારે પ્રવેશ અપાશે.
કોમર્સ ફેકલ્ટીએ ૬૭૦૦ બેઠકો પર પ્રવેશ આપવાનું નક્કી કર્યું છે અને તેની સામે ૧૫૪૪૨ વિદ્યાર્થીઓ વડોદરા શહેર જિલ્લામાંથી ઉત્તીર્ણ થયા છે.સત્તાધીશોએ ૯૫ ટકા બેઠકો વડોદરાના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાની જાહેરાત કરી છે.જોકે એ પછી પણ પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે છે. વિદ્યાર્થીઓ પાસે આર્ટસ ફેકલ્ટીનો પણ વિકલ્પ ઉપલબ્ધ છે.જોકે તેમાં પણ ૧૫૦૦ જેટલી બેઠકો છે.બીબીએ જેવા બીજા અભ્યાસક્રમોને ગણતરીમાં લેવામાં આવે તો પણ વડોદરાના તમામ વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ મળે તેમ નથી.આવા વિદ્યાર્થીઓને ખાનગી કોલેજોનો સહારો લેવો પડશે.









