સ્વામિનારાયણ સંપ્રદાયનાં પુસ્તક અને સ્વામી રામકૃષ્ણ દાસની કથાએ ફરી વિવાદ છંછેડયો
યાત્રાધામ દ્વારકામાં રોષભેર રેલી કાઢીને સૂત્રોચ્ચાર, વિવાદિત સ્વામી-સાધુઓ 48 કલાકમાં રૂબરૂ આવી માફી નહીં માંગે તો વડતાલમાં હલ્લાબોલ કરવા ચીમકી
દ્વારકા, ખંભાળિયા : સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુઓ દ્વારા ધાર્મિક લાગણી દુભાવવાનો સિલસિલો અટકતો જ નથી. આ પહેલા પૂ.જલારામ બાપા અને બાદમાં ભગવાન શિવજી વિશે ટિપ્પણી પછી હવે દ્વારકાધીશ ભગવાન અને ગુંગળી બ્રાહ્મણ જ્ઞાતિ વિશેની ટિપ્પણી વાયરલ થતાં ફરી વિવાદનો મધપુડો છંછેડાયો છે, જેના કારણે આજે યાત્રાધામ દ્વારકા ખાતે જગત મંદિરના પુજારી સમસ્ત ગુગળી બ્રાહ્મણ ૫૦૫ અને હિન્દુ સંગઠનોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિવિધ સૂત્રાચ્ચાર સાથે રોષભેર રેલી યોજીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં શ્રીકૃષ્ણ ભગવાન અને ગુગળી જ્ઞાતિ વિશે એલફેલ બોલનાર સ્વામી રામકૃષ્ણદાસ સામે ૪૮ કલાકમાં પગલા લેવા અને વિવાદિત સાહિત્યની હોળી કરવામાં નહીં આવે તો વડતાલમાં હલ્લાબોલ કરવા સાથે ઉગ્ર આંદોલન છેડવાની ચેતવણી આપવામાં આવી હતી.
સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા સાધુઓ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી અવાર-નવાર થતી હોય અને ત્યારબાદ ફક્ત માફી માગી લેવામાં આવે છે. હવે એક વાયરલ વીડિયોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના કોટેશ્વર ગુરુકુળના સ્વામી રામકૃષ્ણ દાસ દ્વારા એક ભાગવત કથામાં પ્રસંગ વર્ણવતા એમ કહેવામાં આવ્યું કે ‘ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી, પરંતુ વડતાલમાં છે અને દ્વારકાના ગુગલી બ્રાહ્મણો લાલચુ અને લોભી છે..’ જે વાણી વિલાસના કારણે ભગવાન દ્વારકાધીશના ભક્તો અને ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિમાં ખૂબ જ રોષ સાથે અસંતોષ વ્યાપ્યો છે. બીજી તરફ સ્વામીનારાયણ સંપ્રદાયના ‘શ્રીજી સંકલ્પમૂત સદગુરૂશ્રી ગોપાળાનંદજી સ્વામીની વાતો’ નામના પુસ્તકમાં ‘દ્વારકામાં ભગવાન કયાંથી હશે? ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ’ એવો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હોવાનું સામે આવ્યું છે. જેને લઇ સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ ફેલાયો છે.
આ બાબતે દ્વારકા બ્રહ્મપુરીમાં ખાસ મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં નક્કી થયા પ્રમાણે, આજે તમામ ભૂદેવો, બ્રહ્મ સમાજ, આહિર સેના, હિંદુ સેના તથા અન્ય સમાજ દ્વારા સૌ પ્રથમ જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને તેમના ચરણોમાં આવેદનપત્ર રાખી, ત્યારબાદ જગત મંદિરથી રેલી રૂપે દ્વારકાના મુખ્ય માર્ગો પર થઈ દ્વારકાના સ્વામિનારાયણ મંદિર સામે ‘સ્વામી રામકૃષ્ણદાસ હાય..હાય..’ અને દ્વારકામાં કોણ છે, રાજા રણછોડ છે..’ જેવા નારા લગાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા. બાદમાં તમામ લોકોએ દ્વારકાની પ્રાંત કચેરીએ પહોંચીને આ બાબતે જાણકારી આપી હતી અને ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને મધ્યસ્થી કરી આ બાબતે સમાજને ન્યાય અપાવવાનું આહવાન કર્યું હતું.
આ સાથે અલ્ટીમેટમ પણ આપીને ૪૮ કલાકમાં વિવાદિત ટિપ્પણી કરનાર કહેવાતા સ્વામી-સાધુઓ દ્વારકાધીશના શરણે આવી પોતાના વચનો પરત લે અને વિવાદિત પુસ્તકોની હોળી કરે તેમજ હવે પછીના સમયમાં ક્યારેય પણ હિન્દુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી નહીં કરે તેવો વિશ્વાસ આપે અન્યથા અહીં ગૂગળી બ્રાહ્મણ યુવા ટીમ વડતાલ પહોંચશે અને ત્યાં જઈ અભદ્ર ટીપણી કરનાર સંતોને પડકારવામાં અને લલકારવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી.
સ્વામિનારાયણ સંપ્રદાયે અશોભનીય નિવેદનોથી બચવું જોઈએઃ શંકરાચાર્ય
દ્વારકા શારદાપીઠાધીશ્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજે પણ વિવાદિત નિવેદનને વખોડીને જણાવ્યું કે, ‘સનાતન ધર્મીઓએ એકતા દાખવી આંતરિક વિવાદને ટાળવા જોઈએ. હિન્દુ સનાતન ધર્મીઓએ સ્વામિનારાયણ સંપ્રદાય વિશે ક્યારેય અશોભનીય ટિપ્પણી કરી નથી, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયે પણ સનાતન ધર્મના દેવી દેવતાઓ અને આસ્થાના કેન્દ્ર સમા ભગવાન સામેના ખોટા અને અશોભનીય નિવેદનોથી બચવું જોઈએ.’