મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજીને બ્રેક વાગતાં ભાવ ઉંચા મથાળેથી ઝડપી તૂટી ગયા હતા. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓના ભાવમાં ઝડપી ઘટાડો બતાવી રહ્યા હતા.
-વિશ્વ બજાર તૂટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવતાં ઝવેરી બજારોમાં આજે ઉંચા મથાળે વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા. ઈરાન તથા ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ વિરામના સમાચારો વહેતા થતાં વિશ્વ બજારમાં સોનામાં ફંડોની સેફ-હેવન બાઈંગ અટકી હતી. દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૨૦૦ તૂટી ગયા હતા તથા ભાવ તૂટી ૯૯૫ના ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૦૩૦૦ બોલાયા હતા.
જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૮૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના આ ભાવ નવી ટોચ ગણાઈ રહ્યા હતા દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૩૫૯થી ૩૩૬૦ વાળા ગબડી નીચામાં ભાવ ૩૩૦૪ થી ૩૩૦૫ થઈ ૩૩૧૭થી ૩૩૧૮ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૩૬.૦૪થી ૩૬.૦૫ વાળા નીચામાં ભાવ ૩૫.૬૦ થઈ ૩૫.૯૮થી ૩૫.૯૯ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ ઉંચા મથાળેથી ઝડપી તૂટી જતાં તેની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર નેગેટીવ જોવા મળી હતી. ક્રૂડતેલના ભાવ ઉંચા મથાળેથી ૭થી ૮ ટકા ગબડયા હતા. વોર-ઈફેકટ દૂર થતાં ભાવમાં કડાકો બોલાયો હતો. બ્રેન્ટ ક્રૂડના ભાવ જે ઉંચામાં બેરલના ૮૧.૪૦ ડોલર થઈ ગયા હતા તે ગબડીને નીચામાં ૬૭.૫૦ થઈ ૬૯.૦૪ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ તૂટી નીચામાં ૬૪.૩૮ થઈ ૬૬.૦૩ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારમાં કોપરના ભાવ જો કે ૦.૭૧ ટકા ઉંચા બોલાઈ રહ્યા હતા. પ્લેટીનમના ભાવ વધી ૧૩૨૩ થઈ ૧૩૦૩થી ૧૩૦૪ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ વધી ૧૦૮૦ થઈ ૧૦૭૪થી ૧૦૭૫ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૮૯૫૦ વાળા રૂ.૯૬૮૭૪ તથા ૯૯૯ના રૂ.૯૯૩૪૮ વાળા રૂ.૯૭૨૬૩ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૦૭૦૬૩ વાળા રૂ.૧૦૫૯૬૭ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાતેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સના ભાવમાં થતી ચડઉતરના પગલે વૈશ્વિક સોનામાં ભાવમાં ચડઉતર થતી જોવા મળી હતી. ડોલર ઈન્ડેક્સ વધે ત્યારે વૈશ્વિક સોનામાં ફંડોની વેચવાલી આવે છે તથા ડોલર ઈન્ડેક્સ ઘટે છે ત્યારે વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ નિકળે છે. સીટી બેન્કના જણાવ્યા મુજબ વિશ્વબજારમાં ૨૦૨૫ના ત્રીજા ત્રિમાસિકમાં વૈશ્વિક સોનાના ભાવ ઘટી ઔંશના ૩૦૦૦ ડોલરની અંદર ઉતરી જવાની શક્યતા જણાય છે.