Family Vacation In India With Family: મોટાભાગે દરેક વ્યક્તિ પરિવાર સાથે સમય વિતાવવા ઇચ્છતો હોય છે. એટલે જ્યારે પણ સમય મળે એટલે પરિવાર સાથે ફરવાનો પ્લાન બનાવી લેતો હોય છે. આગામી એપ્રિલ મહિનામાં લોકો પરિવાર સાથે ફરવાનો પ્લાન બનાવે છે, કારણ કે, બાળકોની પરીક્ષા પૂરી થઈ ગઈ હોય છે. આવો તમને એવા કેટલાક સ્થળોની વાત કરીએ કે જ્યાં તમે વેકેશન દરમિયાન ફરવાનો પ્લાન કરી શકો છો.
1. તવાંગ
તવાંગ ભારતનું સુંદર સ્થાનોમાંનું એક છે. આ સુંદર શહેર અરુણાચલ પ્રદેશના સમુદ્ર સપાટીથી 2669 મીટર ઊંચાઈ પર આવેલું છે. તેની આસપાસ સુંદર પહાડો આવેલા છે. બરફથી ઢંકાયેલ હિમાલયના શિખરો આ સ્થળને વધુ સુંદર બનાવે છે. અહીં પહાડો, જંગલો અને સુંદર તળાવો મનમોહક છે. તવાંગમાં બૌદ્ધોની સંખ્યા મોટા પ્રમાણમાં છે, જેના કારણે તમે મઠો પણ જોઈ શકો છો. જો તમે ઇચ્છો તો તાશી ડેલેક ટ્રેક એક સાહસિક અનુભવ કરી શકો છો. એપ્રિલ મહિનામાં તવાંગ ફરવા માટે એક સારું સ્થળ છે.
2. પંચમઢી
ભારતમાંથી મોટાભાગના લોકો એપ્રિલમાં પ્રવાસ કરતાં હોય છે. એપ્રિલ મહિનામાં તમને મધ્યપ્રદેશના એકમાત્ર હિલ સ્ટેશન, પંચમઢીની મુલાકાત લેવાની તક મળશે. સતપુરા ટેકરીઓ પર પંચમઢીના શિખરો પરથી દૂર દૂર સુધી હરિયાળી જોઈ શકાય છે. પંચમઢીમાં તમે પ્રકૃતિની સુંદરતાને માણી શકશો. પંચમઢીમાં ભવ્ય કોતરણીવાળી ગુફાઓ આવેલી છે. પંચમઢીમાં એક ધોધ પણ છે. ઊંચાઈએથી પડતો આ ધોધ તમારું મન મોહી લેશે. તમે અહીં ટ્રેકિંગ અને હાઇકિંગ પણ કરી શકો છો.
3. ધર્મશાળા
પર્વતો પર ફરવાના શોખીનો માટે આ મહત્ત્વનું સ્થાન છે. આપણામાંથી ઘણા લોકો ફિલ્મોમાં જોયેલી ખીણોમાં ચાલવા ઇચ્છતા હોય છે. એપ્રિલ મહિનામાં આવા સ્થળની મુલાકાત લેવા માટે ધર્મશાળા શ્રેષ્ઠ સ્થળ છે. ધર્મશાળાને મીની તિબેટ પણ કહેવામાં આવે છે. ધર્મશાળામાં તિબેટીયન લોકો રહે છે. અહીં બધે તિબેટીયન ધ્વજ જોવા મળશે. પર્વતોની વચ્ચે આવેલું આ ખૂબ જ સ્થળ રમણીય છે.
4. ઊંટી
ઊંટીનું નામ સાંભળતા જ મન એક અલગ પ્રકારે જ વિચારવા લાગે છે. બધાએ ઊંટીને ફિલ્મોમાં જોયું જ હશે. સુંદર પહાડીઓ વચ્ચે આવલું શહેર દરેક લોકોને આર્કષિત કરે છે. અહીં આવીને એવું લાગે છે કે જાણે કોઈએ કેનવાસ પર ચિત્ર બનાવ્યું હોય. ઊંટીની મુલાકાત લેવા માટે એપ્રિલ શ્રેષ્ઠ મહિનો છે. ઊંટીના ટાઇગર હિલ અને ડોડ્ડાબોટ્ટા પીકના દૃશ્યો તમને મંત્રમુગ્ધ કરી નાખશે. અહીંના તળાવો અને ધોધ પણ ઊંટીની સુંદરતામાં વધારો કરે છે. જ્યારે તમે દૂરથી ચાના બગીચા જોશો તો લાગશે કે આનાથી વધુ સુંદર બીજું કંઈ નહીં હોય.
5. દાર્જિલિંગ
હિમાલયની પર્વતમાળામાં વસેલું દાર્જિલિંગ ચાના બગીચા, પહાડો અને ખીણોનું સુંદર સ્વર્ગ છે. પશ્ચિમ બંગાળ રાજ્યનો એક ભાગ દાર્જિલિંગ એ ભારતના સૌથી રોમેન્ટિક હિલ સ્ટેશનોમાંનું એક છે, જે ઉનાળાના મહિનાઓમાં સુખદ તાપમાન અને સુંદર પ્રવાસન તમને આકર્ષે છે. એપ્રિલ મહિનો દાર્જિલિંગની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ સમય છે, આ સમય દરમિયાન તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસથી 19 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. વરસાદ અને કરા પડવાની શક્યતા રહે છે, એટલે હળવા ઊનના કપડાં સાથે રાખવાની સલાહ આપવામાં આવે છે.