મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયાસામે ડોલરના ભાવ ઝડપી ઉંચકાતા રૂપિયો તૂટયો હતો ડોલરના ભાવ ૧૮ પૈસા વધ્યા હતા સામે રૂપિયો આજે ૦.૨૧ ટકા તૂટયો હતો. શેરબજારમાં ઘટાડાના પગલે કરન્સી બજારમાં રૂપિયો દબાણ હેઠળ જોવા મળ્યો હતો.
ડોલરના ભાવ રૂ.૮૬.૦૬ વાળા જો કે આજે સવારે રૂ.૮૬.૦૧ના મથાળે નીચા ખુલ્યા પછી નીચામાં ભાવ એક તબક્કે રૂ.૮૫.૮૮ થઈ ગયા હતા પરંતુ ત્યારબાદ ડોલરના ભાવ ફરી ઉંચકાઈ ઉંચામાં રૂ.૮૬.૨૯ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૬.૨૪ રહ્યા હતા. ડોલર સામે રૂપિયો ગબડી બે મહિનાના તળિયે ઉતર્યો હતો.
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે એવા સંકેતો આપ્યા હતા કે ફાર્માસ્યુટીકલ પર ટૂંકમાં ટેરીફ લાદવામાં આવશે. આ સંકેતોની પણ કરન્સી બજારમાં રૂપિયા પર પ્રતિકૂળ અસર દેખાઈ હતી. છેલ્લે નવમીા એપ્રિલે રૂપિયો નોંધપાત્ર પ્રમાણમાં તૂટયો હતો.
ભારતથી વાર્ષિક ધોરણે અમેરિકા તરફ ફાર્માની નિકાસ આશરે ૮થી ૯ અબજ ડોલર થાય છે. ટ્રમ્પ હવે આના પર પણ ટેરીફ લાદશે તો મોટી અસર થશે એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ૯૮.૧૭ રહ્યાના નિર્દેશો હતા.
પાઉન્ડના ભાવ આજે ૧૨ પૈસા ઘટી રૂ.૧૧૬.૮૧ ભાવ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૩ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૯૯.૩૧ થઈ છેલ્લે રૂ.૯૯.૬૭ રહ્યા હતા.
જાપાનની કરન્સી રૂપિયા સામે ૦.૨૦ ટકા ઘટી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૧૫ ટકા ઉંચકાઈ હતી. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ફરી ઉંચકાયાના સમાચારની અસર મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા પર નેગેટીવ જોવા મળી હતી. ક્રૂડના ભાવ વધી ઉંચામાં બેરલના ૭૫ ડોલર થયા હતા.