India GDP Growth: ભારતના અર્થતંત્રની ગાડી પાટા પર હોવાના અનેક અંદાજો વિવિધ ગ્લોબલ રેટિંગ એજન્સી આપી રહી છે. એવામાં વધુ એક અગ્રણી રેટિંગ એજન્સીએ ચાલુ નાણાકીય વર્ષ (2025-26) માટે ભારતનો રિઅલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન (GDP) ગ્રોથ રેટ 6.5 ટકાથી વધુ રહેવાનો અંદાજ આપી ભારતના આર્થિક ગ્રોથની અપેક્ષાઓને વધુ પ્રબળ બનાવી છે. ઈકરાએ જણાવ્યું હતું કે આ જ સમયગાળા દરમિયાન દેશનો રિઅલ ગ્રોસ વેલ્યુ એડેડ (GVA) ગ્રોથ 6.3 ટકાથી વધુ રહેશે.
GDPની ગણતરી દેશમાં ઉત્પાદિત માલ અને સેવાઓના કુલ મૂલ્ય પરથી નક્કી થાય છે, જ્યારે GVA ઉત્પાદિત માલ અને સેવાઓના કુલ મૂલ્યમાંથી મધ્યવર્તી માલ અને સેવાઓની કિંમત બાદ કરીને મેળવવામાં આવે છે.
ફુગાવાના દરનો અંદાજ શું છે
ઈકરા રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, ફુગાવાના સંદર્ભમાં રિટેલ ફુગાવો (CPI) 4.2 ટકાથી વધુ રહેવાનો અંદાજ છે, જ્યારે જથ્થાબંધ ફુગાવો (WPI) ચાલુ નાણાકીય વર્ષ માટે 2.7 ટકાથી વધુ રહેશે. ઈકરાએ રાજકોષીય ખાધ GDPના 4.4 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે. ગ્રામીણ માંગ મજબૂત રહેવાની શક્યતા છે. સારા વરસાદના કારણે કૃષિ ક્ષેત્રે ગ્રોથ નોંધાવાના સંકેત છે.
બજેટની જાહેરાતોનો લાભ
રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે 2025-26 માટેના કેન્દ્રીય બજેટમાં આવકવેરામાં મોટી રાહત, દર ઘટાડાને કારણે EMI(માસિક હપ્તા)માં ઘટાડો અને ખાદ્ય ફુગાવામાં નરમાઈની જાહેરાતના કારણે ઘરગથ્થુ ખર્ચપાત્ર આવકમાં વધારો થવાની અપેક્ષા છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક પડકારોના કારણે નજીકના ભવિષ્યમાં ભારતની ગુડ્સ નિકાસમાં મંદી રહેવાની ભીતિ છે. જ્યારે સર્વિસ નિકાસમાં વૃદ્ધિ નોંધાવાની સંભાવના છે. 2025-26માં કેન્દ્રનો મૂડી ખર્ચ 10.1 ટકા વધવાનો અંદાજ છે, જે રોકાણ પ્રવૃત્તિઓને વેગ આપશે.
આરબીઆઇનો અંદાજ
ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે RBIએ GDP ગ્રોથ અંદાજ 6.5 ટકા પર જાળવી રાખ્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં GDP ગ્રોથ રેટ 6.5 ટકા નોંધવામાં આવ્યો હતો અને 2025-26માં સમાન રહેવાનો અંદાજ છે.