મુંબઈ : ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન)માં ખાનગી ક્ષેત્ર દ્વારા મૂડી ખર્ચમાં તીવ્ર ઘટાડો થયો છે. છેલ્લા ૧૫ વર્ષમાં ખાનગી ક્ષેત્રમાંથી મૂડી રોકાણમાં આ બીજો સૌથી મોટો ઘટાડો છે.
સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઈ)ના તાજેતરના ડેટામાં આ વાત સામે આવી છે. ખાનગી ક્ષેત્ર દ્વારા મૂડી રોકાણમાં થોડો સુધારો થયો હોવા છતાં આટલો મોટો ઘટાડો નોંધાયો છે.
ઔદ્યોગિક અને માળખાગત ક્ષમતા વિસ્તરણમાં મૂડી ખર્ચ ગયા નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ.૨૧.૭ લાખ કરોડથી ઘટીને રૂ. ૪.૧ લાખ કરોડ થયો છે. નિષ્ણાતોના મતે, વિશ્વમાં ચાલી રહેલા વેપાર યુદ્ધ અને યોગ્ય અમલીકરણ વ્યૂહરચનાના અભાવને કારણે ખાનગી રોકાણમાં આટલો મોટો ઘટાડો નોંધાયો છે.
ઉપલબ્ધ માહિતી અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ખાનગી ક્ષેત્રનો મૂડી ખર્ચ લગભગ ૮૩ ટકા ઘટીને ૨.૮ લાખ કરોડ રૂપિયા થયો છે જે નાણાકીય વર્ષ ૨૦૨૪ ના ચોથા ત્રિમાસિક ગાળામાં નોંધાયેલા ૧૬.૭ લાખ કરોડ રૂપિયા હતો. સીએમઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ આંકડા પાછલા ત્રિમાસિક ગાળામાં જાહેર કરાયેલા ૨૧.૮ લાખ કરોડ રૂપિયાના નવા રોકાણ કરતા ઘણા ઓછા છે પરંતુ એક વર્ષ પહેલાના સમાન ત્રિમાસિક ગાળામાં જાહેર કરાયેલા ૨.૯ લાખ કરોડ રૂપિયાના નવા રોકાણ કરતા વધુ છે.
સમયસર પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાની ગતિ પણ ધીમી પડી ગઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં, ફક્ત ૧.૯૭ લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા હતા, જે પાછલા ત્રિમાસિક ગાળામાં પૂર્ણ થયેલા ૨.૪૨ લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ કરતા ૧૮.૭ ટકા ઓછા છે.
જૂન ૨૦૨૫ના ક્વાર્ટરમાં ૧૨૨.૭ અબજ રૂપિયાના પ્રોજેક્ટ્સ અટકી ગયા હતા જ્યારે ૧.૨ ટ્રિલિયન રૂપિયાના અટકેલા પ્રોજેક્ટ્સ ફરી શરૂ થયા હતા. પરિણામે, જૂન ૨૦૨૪ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં પ્રોજેક્ટ્સનો બેકલોગ ૨૯૬.૯ ટ્રિલિયન રૂપિયાથી વધીને ૩૩૧.૩ ટ્રિલિયન રૂપિયા થયો હતો.