Gandhinagar News: ગાંધીનગરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં દીકરીના ગૌરી વ્રતના જવેરા પધરાવવા ગયેલા ડૉક્ટરનું નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. પિતાને ડૂબતા જોઈ દીકરીએ બૂમાબમ કરી મૂકી હતી. બાળકીની બૂમો સાંભળી એક રિક્ષા ચાલકે તેના પિતાને બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ, નદીના ધસમસતા પ્રવાહમાંથી બહાર આવે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચોઃ જામનગરમાં પાંચહાટડી વિસ્તારમાં બે માળનું એક જર્જરીત મકાન જોખમી હોવાથી એસ્ટેટ શાખાએ તોડી પાડ્યું
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. નિરવ બ્રહ્મભટ્ટ શનિવારે (12 જુલાઈ) પત્ની ડૉ. કોશા બ્રહ્મભટ્ટ અને દીકરી દ્વીજા સાથે અડાલજ નર્મદા કેનાલમાં જવેરા પધરાવવા માટે ગયા હતા. શનિવારે તેમની દીકરીના ગૌરી વ્રતનો છેલ્લે દિવસ હતો તેથી તેઓ નદીમાં જવેરા પધરાવી રહ્યા હતા, આ દરમિયાન કેનાલ પાસેથી એકાએક તેમનો પગ લપસ્યો અને ડૉ. નિરવ નદીમાં ગરકાવ થઈ ગયા. નદીનો પ્રવાહ પણ વધારે હોવાના કારણે તેઓ તણાવા લાગ્યા હતા. સમગ્ર ઘટના જોઈને તેમની દીકરી ગભરાઈ ગઈ અને જોર-જોરથી બૂમો પાડવા લાગી. માતા-દીકરીની બૂમો સાંભળીને એક રિક્ષા ચાલક ત્યાં દોડી આવ્યો અને ડૉક્ટરને બચાવવાનો પ્રયાસ કર્યો. ભારે જહેમત બાદ તેમને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા અને તાત્કાલિક ધોરણે નજીકની અડાલજ સીએચસી આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા. જોકે, ત્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચોઃ કેનેડાના માર્ગો પર ગૂંજ્યો જય જગન્નાથનો નાદ! વીક એન્ડ પર રથયાત્રામાં જોડાયા 20000થી વધુ ભક્તો
પોલીસે હાથ ધરી તપાસ
સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં ડૉક્ટરને અડાલજ સીએસી સેન્ટર લઈ જવામાં આવ્યા. જોકે, CPR સહિતની મેડિકલ ટ્રીટમેન્ટ આપ્યા છતાં તેમનો જીવ બચાવી ન શકાય. બાદમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી.