જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સણોસરા ગામ પાસે આવેલી જી.આર.વી. સ્પીનિગ મિલમાં રહીને મજૂરી કામ કરતા મૂળ ઓડિશા રાજ્યના શ્રીકાંત પ્રફુલ્લા વનમાળી માજી નામના 22 વર્ષના યુવાને પોતાના રૂમમાં પંખા સાથે ટુવાલ બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.
આ બનાવ અંગેની જાણ થતાં ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડીપી વઘોરા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે તેના પિતા પ્રફુલ્લા વનમાળી માજી કે જેઓ પોતાના વતનમાં રહેતા હોવાથી તેઓને ધ્રોળ બોલાવી લીધા હતા, અને તેનું નિવેદન નોંધ્યું હતું.
જેમાં તેણે જણાવ્યું હતું કે મૃતક શ્રીકાંત કે જેની માતાની તબિયત બરાબર ન હોવાથી પૈસાની જરૂરિયાત ઊભી થતાં પોતે પુત્રને ફોન કર્યો હતો, અને પૈસાની માંગણી કરી હતી. પરંતુ તેની પાસે પૈસાની વ્યવસ્થા થઈ શકે તેમ ન હોવાના કારણે ગળાફાંસા દ્વારા આ પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.