Nimisha Priya Case: કેરળની નર્સ નિમિષા પ્રિયાને 16 જુલાઈએ યમનમાં ફાંસી આપવામાં આવી શકે છે. તેના પર યમનના નાગરિકની હત્યાનો આરોપ છે અને હવે આ કેસમાં ભારત સરકારે હાથ ઊંચા કરી લીધા છે. સોમવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કર્યું કે તે આ કેસમાં આગળ કંઈ કરી શકે નહીં.
સરકાર વતી, એટર્ની જનરલ આર. વેંકટરામણીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, ‘યમનની સંવેદનશીલ રાજકીય પરિસ્થિતિને જોતાં, આ રાજદ્વારી સીમાઓ સાથે સંબંધિત મામલો છે, જે કરી શકતા હતા એ કર્યું, પણ હવે વધુ દખલ કરવી શક્ય નથી. હવે એકમાત્ર રસ્તો બચ્યો છે કે પીડિત પરિવાર ‘બ્લડ મની’ સ્વીકારે.’
‘બ્લડ મની’ શું છે?
ઇસ્લામિક કાયદા હેઠળ, ‘બ્લડ મની’ અથવા ‘દિયા’ એ ગુનેગાર દ્વારા પીડિતના પરિવારને ચૂકવવામાં આવતું નાણાકીય વળતર છે. આ સિસ્ટમ ઘણીવાર અજાણતાં હત્યા જેવા કિસ્સાઓમાં લાગુ પડે છે. જો પીડિતનો પરિવાર આ રકમ સ્વીકારે છે, તો તેઓ ગુનેગારને માફ કરી શકે છે અને મૃત્યુદંડ ટાળી શકાય છે. જો કે, આ સંપૂર્ણપણે પીડિતના પરિવારની ઇચ્છા પર આધાર રાખે છે અને સરકારની તેમાં કોઈ ભૂમિકા નથી.
કોણ છે નિમિષા?
નિમિષા પ્રિયાનો જન્મ કેરળના પલક્કડ જિલ્લામાં શ્રમિક પરિવારમાં થયો હતો. નર્સિંગનો અભ્યાસ કર્યા બાદ તે વર્ષ 2008માં યમન ગઈ હતી. અહીં તે અલગ-અલગ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી.
વર્ષ 2011 માં, તે ભારત પાછી ફરી અને કેરળના ઇડુક્કી શહેરના રહેવાસી ટોમી થોમસ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા. થોડા સમય પછી બંને પતિ-પત્ની પાછા યમન ગયા અને યમનની રાજધાની સનામાં રહેવા લાગ્યા. ત્યાં તેણે એક દીકરીને જન્મ આપ્યો.
વર્ષ 2015 માં, તેમની ઓછી આવકથી કંટાળીને, નિમિષા અને ટોમીએ પોતાનું ક્લિનિક ખોલવાનું નક્કી કર્યું. યમનમાં વિદેશીઓને બિઝનેસ કરવાની મંજૂરી ન હોવાથી નિમિષાએ યમનના તેના સાથીદાર તલાલ અબ્દો મહેદી નામના વ્યક્તિ સાથે બિઝનેસ શરૂ કર્યો હતો. સ્થાનિક લોકો ક્લિનિકમાં આવવા લાગ્યા. આ રીતે તેમનું ક્લિનિક શરૂ થયું.
આ પણ વાંચો: ‘મંત્રીને રસ્તાની ફરિયાદ કરી તો ગામનું વીજળી-પાણી બંધ કરવા ધમકાવ્યા’, રાજસ્થાનના નેતા પર ગંભીર આક્ષેપ
જાણો શું છે આખો મામલો
તલાલે નિમિષા સાથે વિશ્વાસઘાત કર્યો અને ક્લિનિકની માલિકી હડપવા નિમિષાનો પાસપોર્ટ પણ લઇ લીધો, સાથે જ તેનું શોષણ કરવા લાગ્યો. નિમિષાએ યમનના આ નાગરિક તલાલથી પીછો છોડાવવા પોલીસની મદદ લીધી પરંતુ પોલીસે નિમિષાની ધરપકડ કરી છ દિવસ જેલમાં રાખી, નિમિષા પર પ્રશાસન અને તલાલનો અત્યાચાર વધતો ગયો. તેનાથી છૂટકારો મેળવવા અને પાસપોર્ટ પરત લેવા માટે નિમિષાએ તલાલને કાબુમાં કરવા કેટલાક ઈન્જેક્શન આપ્યા હતા, પ્રથમ વખત તલાલને કઈ ના થયું જોકે બીજા વખતના ઈન્જેક્શનમાં તેનું મોત નિપજ્યું હોવાનો નિમિષા પર આરોપ હતો.
જેથી વર્ષ 2017માં નિમિષા પ્રિયાની તેના બિઝનેસ પાર્ટનર તલાલ અબ્દો મહેદીની હત્યા કરીને ભાગી જવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી યમનની કોર્ટમાં તેની સામે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આખરે કોર્ટે તેને દોષિત ઠેરવી અને તેને મૃત્યુદંડની સજા સંભળાવી અને યમનના રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપી.