– સંસ્થાની પ્રેરણાદાયક સેવાકીય પ્રવૃતિની સરાહના
– બાળપણમાં પોતાની પાસે પણ સાયકલ હોય તેવુ જરૂરીયાતમંદ છાત્રોનું અધુરૂ સ્વપ્ન પુર્ણ કરવા અનોખુ સેવાકાર્ય
ભાવનગર : સેવા અને સાંસ્કૃતિક નગરી તરીકે વિખ્યાત ભાવનગરમાં કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓ પૈકી કોઈ દર મહિને જરૂરીયાતમંદોને અનાજની કિટ આપે છે તો વળી કોઈ જરૂરીયાતમંદોને નીયમીતપણે ભોજન અથવા નિશુલ્ક ટયુશન મળી રહે તે માટે કાર્યરત છે. જેમાં વન મેન એનજીઓ તરીકે પ્રખ્યાત મૂક સમાજસેવક પ્રમોદભાઈ વોરા દ્વારા છેલ્લા ૩૦ વર્ષથી શાળા કોલેજના જરૂરીયાતમંદ વિદ્યાર્થીભાઈ બહેનોને નિશુલ્ક સાયકલનું વિતરણ કરી રહ્યા છે તેઓ દ્વારા અત્યાર સુધીમાં સાડા ચાર હજારથી વધુ સાયકલોનું ગરીબ અને મધ્યમવર્ગીય છાત્રોને વિતરણ કરાયુ છે.
બાળપણમાં પોતાની પાસે પણ સાયકલ હોય તેવુ પોતાનું અધૂરૂ સ્વપ્ન પરિપુર્ણ કરવા ૫૫ વર્ષની ઉમરે કટિબધ્ધ બનેલા મૂક સેવક પ્રમોદભાઈ વોરાએ અન્ય બાળકોનું આર્થિક સંકડામણને કારણે પોતાની સાયકલનું સ્વપ્ન રોળાઈ ન જાય તે માટે સંકલ્પબધ્ધ થઈ ભાવનગરમાં પ્રારંભિક તબકકામાં પોતાના સમવયસ્ક મિત્રોના સહકારથી મુકતાલક્ષ્મી મહિલા વિદ્યાલયમાં જુની સાયકલ ખરીદી તેમાં જરૂરી રીપેરીગ કરી જરૂરીયાતમંદ છાત્રોને નિશુલ્ક ભેટમાં આપવાનું શરૂ કર્યુ હતુ.૧૯૯૫ માં રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. શરૂઆતમાં દાતાઓના સહયોગથી બે થી ત્રણ સાયકલથી શરૂ થયેલી આ યોજના ૩૦ વર્ષ પુર્ણ કર્યા છે. છેલ્લા ૩૦ વર્ષ દરમિયાન સંસ્થા દ્વારા ૪૫૦૦ થી વધુ ખરેખર જરૂરીયાતમંદ છાત્રોને નિશુલ્ક સાયકલ ભેટ આપીને આર્શિવાદનું સેવાકાર્ય કર્યુ છે દર મહિને ૨૦ થી ૨૫ જરૂરીયાતમંદ છાત્રોને વિનામૂલ્યે સાયકલ ભેટ અપાય છે અને દર વર્ષે ૩૦૦ આસપાસ સાયકલ ભેટમાં અપાય છે. જેનો ખર્ચ દર મહિને રૂા ૨૫૦૦૦ થાય છે. આ સેવાકાર્યમાં સ્થાનિક સેવાભાવી સદગૃહસ્થનો, ઉદ્યોગપતિઓ દ્વારા સહયોગ અપાઈ રહ્યો છે. આગામી તા.૨૭ જુલાઈને રવિવારે શહેરની શિશુવિહાર સંસ્થામાં ૧૧૨ માં ક્રમનો સાયકલ વિતરણ સમારોહ યોજાશે. ૫૫ વર્ષે શરૂ કરાયેલ આ સેવાકાર્ય મૂકસેવક પ્રમોદભાઈ વોરાએ હાલ ૮૩ વર્ષની વયે પણ દ્રઢ મનોબળ સાથે અવિરતપણે જાળવી રાખવાનો નિર્ધાર કર્યો છે. મૂક સેવકની આ પ્રેરણાદાયક સેવાકીય પ્રવૃતિ સરાહનીય બની છે.
આ યોજના આર્શિવાદરૂપ છે
સાયકલ ભેટ મળતા મારે ઘરેથી સ્કુલ જવામાં વધુ સરળતા થઈ છે તેમ જણાવી શહેરની કુમારશાળાના ધો.૧૧ ના વિદ્યાર્થી ઉમેશ રાકેશભાઈ મકવાણાએ વધુમાં ઉમેર્યુ હતુ કે, આ યોજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ જાળવી રાખવા માટે આર્શિવાદરૂપ છે.