વડોદરાઃ દેણા બ્રિજ પાસે ગઇરાતે પાન-પડીકીના ગલ્લા પાસે સામસામે હુમલો અને લૂંટનો બનાવ બનતાં હરણી પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી છે.
વડોદરા પાસેના કોટાલી ગામે રહેતા દિપક હેમંતભાઇએ પોલીસને કહ્યું છે કે,ગઇ રાતે હું મારી કાર લઇ બ્રિજ ઉતરતી વખતે પડીકી લેવા પૂજાબેનના ગલ્લા પર ઉભો હતો ત્યારે વેગન આર કારમાં બે જણા આવ્યા હતા.જેમાંથી એક જણાએ પૂજાબેન પાસે પૈસાની માંગણી કરતાં તેમણે ઇનકાર કર્યો હતો.જેથી તેણે ગલ્લાનો વીડિયો ઉતાર્યો હતો.
મેં વીડિયો નહિ ઉતારવા કહેતાં કુલદીપ સિંહ સોલંકીએ હું મીડિયા કર્મી છું તેમ કહી આઇકાર્ડ બતાવી થાય તે કરી લેજે તેમ કહ્યું હતું.જેથી હું પણ કોટાલીનો છું તેમ કહેતાં તેણે ગાળો ભાંડી હતી.આ વખતે કારમાંથી એએસઆઇ વિજયસિંહ પરમાર પણ ઉતર્યા હતા અને ગાળો દઇ ઝપાઝપી કરી હતી.કુલદીપે મારી ચેન ખેંચી ને ભાગવા જતાં મેં લાકડાનો ફટકો મારી કારનો કાચ તોડયો હતો.આ વખતે કાર ચાલુ નહિ થતા અને મારો ભાઇ આવી જતાં બંને જણા કાર મૂકીને ભાગી ગયા હતા.
સામે પક્ષે ટ્રાફિકના એએસઆઇ વિજય સિંહ પરમાર(રાંદલધામ સો.ન્યુ સમા) એ ફરિયાદમાં કહ્યું છે કે,ગઇરાતે હું અને મીડિયા કર્મી કુલદીપસિંહ સોલંકી(મારુતિ નંદન સો. બાજવારોડ) કામ માટે ગોલ્ડન ચોકડી જતા હતા ત્યારે પડીકીના ગલ્લે કુલદીપે વીડિયો લેતાં દિપક હેમંતભાઇ અને તેના ત્રણ સાગરીતોએ અમારા પર લાકડી વડે હુમલો કરી કારને નુકસાન કર્યું હતું.