– ટ્રક ચાલક વિરૂદ્ધ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
– દંપતી એક્ટીવા લઈને દર્શન કરવા જતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો
ભાવનગર : ઘોઘા સર્કલ નજીક ટ્રક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત થયું હતું. દર્શન કરવા જઈ રહેલ દંપતીને ટ્રકે અડફેટે લેતા મહિલાનું મોત થયું હતું.
ભાવનગર શહેરના ઘોઘા રોડ જકાતનાકા પાસે રહેતા નરેન્દ્ર ભાઈ હીરાલાલ પારેખ અને તેમના પત્ની ગીતાબેન પોતાનું એકટીવા નંબર જીજે ૦૪ ડીઈ ૫૭૪૨ લઈને લોખંડ બજાર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા માટે નીકળ્યા હતા. દરમિયાનમાં ઘોઘા સર્કલ નજીક એકટીવા પર જઈ રહેલ દંપતિ પહોંચ્યું ત્યારે સામેથી આવી રહેલા ટ્રક નંબર જીજે ૦૪ એએક્સ ૮૧૫૪ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી એકટીવા સાથે ધડાકાભેર અથડાવી દેતા દંપતિને ઇજા થતા ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગીતાબેનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે નરેન્દ્ર ભાઈએ ટ્રક ચાલક વિરૂધ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.