ITR Refund Claim: ઈનકમ ટેક્સ ફાઈલ કરવા માટેની ડેડલાઈન લંબાવીને 15 સપ્ટેમ્બર કરવામાં આવી છે. ડેડલાઈન લંબાવવા પાછળનું કારણ કરદાતા સરળતાથી અને ચકાસીને ITR ફાઈલ કરી શકે. જો ભૂલથી કે જાણી જોઈને ટેક્સ કપાત કે નકલી ક્લેમ કરવામાં આવે તો તમારે ભારે ભરખમ પેનલ્ટીનો સામનો કરવો પડી શકે છે. આવકવેરા વિભાગ ટેક્સ કપાતના નકલી ક્લેમની તપાસ માટે એઆઈ અને ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરી રહ્યા છે.
આવકવેરા વિભાગે આઈટીઆર ફાઈલિંગમાં થતી છેતરપિંડીઓ અટકાવવા માટે એઆઈ અને ડેટા એનાલિટિક્સ સાથે સિસ્ટમ અપગ્રેડ કરી છે. ઘણા એજન્ટ ગેરેન્ટેડ રિફંડનો દાવો કરતાં આ પ્રકારની છેતરપિંડી આચરતાં હોય છે. આવકવેરા અધિનિયમની કલમ 10 (13A) અંતર્ગત મકાન ભાડું ભથ્થુ (એચઆરએ), કલમ 80 (જી) હેઠળ દાન અને 80ની વિવિધ કલમો હેઠળ લોન વ્યાજ સહિત લોકપ્રિય કપાત કલમોનો વ્યાપકપણે દુરૂપયોગ થઈ રહ્યો છે. જેથી વિભાગે એઆઈની મદદથી ટીડીએસ ડેટા, બેન્ક રેકોર્ડ અને અન્ય થર્ડ પાર્ટી સ્રોત પાસેથી ક્લેમ વેરિફાય કરી રહ્યું છે.
ભારે પેનલ્ટી લાગી શકે
જો તમે નકલી ક્લેમ કરો છો અને આવકવેરા વિભાગની એઆઈ સિસ્ટમમાં ઝડપાઈ જાવ છો તો આવકવેરા અધિનિયમ કપાતની ખોટી માહિતી આપવા બદલ પેનલ્ટી ફટકારે છે. જેમાં ટેક્સના 200 ટકા સુધી પેનલ્ટી અને વાર્ષિક 24 ટકા સુધી વ્યાજ લાગુ થઈ શકે છે. ગંભીર ઉલ્લંઘન કરનારાઓ પર કેસ પણ ચલાવવામાં આવે છે. જેમાં જાણી જોઈને ટેક્સ ચોરી કરવાની કલમ 276સી હેઠળ સાત વર્ષની સજાની જોગવાઈ છે.
આ પણ વાંચોઃ તહેવારોની સીઝનમાં ટેમ્પરરી જોબમાં 2.16 લાખનો ઉછાળો આવવાની સંભાવના
એઆઈ તુરંત ઓળખી કાઢે છે
આવકવેરા અધિનિયમ દ્વારા ઉપયોગમાં લેવાઈ રહેલી એઆઈ સિસ્ટમે અનેક કરદાતાઓનો પર્દાફાશ કર્યો છે. વિભાગની એઆઈ સંચાલિત સિસ્ટમ આવકવેરા રિટર્ન અને AIS તથા ફોર્મ 26AS સાથે મળી આવકના આંકડાઓ વચ્ચે જોવા મળતી વિસંગતિઓની તુરંત ઓળખી કાઢે છે. જેથી થોડી પણ ભૂલ તમને નોટિસ મોકલી શકે છે. હવે માત્ર ફોર્મ ભરવા સુધી સીમિત નથી. તમારી પાસે દરેક ક્લેમના સપોર્ટમાં નક્કર પુરાવો હોવો જોઈએ. જેથી નોટિસ મળે તો સાબિતી કરી શકાય. વિભાગ કરદાતાઓને સંદિગ્ધ રિફંડ આપતાં એજન્ટ પર વિશ્વાસ ન કરવા પણ સલાહ આપી રહ્યું છે.
ભૂલ દૂર કરવા આ રસ્તો અપનાવી શકો
જો આઈટીઆર ફાઈલ કરતી વખતે કોઈ ભૂલ થઈ હોય અથવા ક્લેમમાં કોઈ ભૂલ થઈ હોય તો તુરંત આઈટીઆર-યુ દાખલ કરવુ જોઈએ. જેની મદદથી તમે આકરી પેનલ્ટી કે કેસની ઝંઝટમાંથી બચી શકો છો. આઈટીઆર-યુ અર્થાત અપડેટેડ આઈટીઆરમાં તમે તમારી ભૂલો કે ખામીને સુધારી શકો છો.