Ahmedabad Tree Plantation: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાત વર્ષમાં વિવિધ પ્રોજેકટના ઓઠા હેઠળ બાર હજાર ઘટાદાર વૃક્ષોનું નિકંદન કઢાવ્યુ છે. હવે અમદાવાદને ગ્રીનર અમદાવાદ બનાવવા અર્બન ગ્રીનિંગ પોલિસી બનાવી તેનો અમલ કરાવવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તાકીદની દરખાસ્ત મંજૂર કરાઈ છે. છેલ્લા બે વર્ષમાં 70 લાખ રોપાં-વૃક્ષ વાવવા પાછળ રૂપિયા સો કરોડથી પણ વધુનો ખર્ચ થયો છે. આમ છતાં શહેરીજનોને નથી શુદ્ધ હવા મળતી કે નથી તાપમાનમાં ઘટાડો થતો.
100 કરોડનો જંગી ખર્ચ છતાં અશુદ્ધ હવા અને ગરમીમાં વધારો
વર્ષ-2011થી અમદાવાદના ગ્રીન કવરમાં વધારો કરવા દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. ઓક્સિજન પાર્ક, બાયોડાયવર્સિટી પાર્ક જેવા રૂપાળા નામ પણ અપાય છે. કડવી વાસ્તવિકતા એ છે કે, છેલ્લા સાત વર્ષમાં કોર્પોરેશને પોતે મેટ્રો રેલ પ્રોજેકટ, ફલાયઓવર બ્રિજ બનાવવા કે પછી આઇકોનિક રોડ બનાવવા માટે બાર હજારથી પણ વધુ વર્ષો પહેલાં વાવવામા આવેલા વૃક્ષોનો સોથ વાળી દેવડાવ્યો છે. આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં કોર્પોરેશનની મંજૂરી લીધા વિના શહેરના વિવિધ વિસ્તારમાં ત્રણ હજારથી પણ વધુ વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા છે. હવે રહી રહીને અર્બન ગ્રીનિંગ પોલીસીનો અમલ કરાવી શહેરના ગ્રીન કવરમાં વધારો કરવા પ્રયાસ કરાશે.
આ પણ વાંચોઃ ‘એક પણ નહીં તૂટે’ એવા દાવા વચ્ચે અમદાવાદના નવા વાડજમાં 6 મહિનામાં સિમેન્ટ રોડમાં ખાડા પડ્યા
શહેરમાં રેઇન ગાર્ડન, રૂફટોપ ગાર્ડન, લેક ગાર્ડન, અર્બન ફોરેસ્ટ, ઇકોલોજીકલ પાર્ક ગ્રીન પોલિસી અંતર્ગત બનાવવા આયોજન કરાશે. નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ અંતર્ગત દરેક ટી.પી.સ્કીમના કુલ વિસ્તારમાંથી ઓછામા ઓછા પાંચ ટકા વિસ્તાર ગ્રીન કવર માટે ફાળવવો પડશે. એક ટકા વિસ્તારમાં મિયાવાંકી પદ્ધતિથી અર્બન ફોરેસ્ટ વિકસાવાશે. શહેર માટે અર્બન ગ્રીનિંગ એડવાઇઝરી કમિટીની રચના કરાશે, જેમાં અર્બન પ્લાનર ઉપરાંત પર્યાવરણ નિષ્ણાત, બિલ્ડર એસોશિએશન, ચેમ્બર ઓફ કોમર્સ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓની દર મહિને બેઠક બોલાવી શહેરને ગ્રીનર બનાવાશે. નોંધનીય છે કે, કોર્પોરેશને પાંચ વર્ષમાં શહેરમાં રોપેલા રોપા, વૃક્ષો પૈકી કયા વિસ્તારમાં કેટલા જીવિત છે એ અંગે કોઈ બોલવા જ તૈયાર નથી. આ વર્ષે 40 લાખ પૈકી હજુ સુધી 10 લાખ રોપા જ રોપી શકાયા છે.
એરપોર્ટ રોડ આઇકોનિક બનાવવા એક હજાર વૃક્ષ કાપી નંખાયા
દોઢ વર્ષ અગાઉ અમદાવાદના એરપોર્ટ રોડ ઉપર હાંસોલ સર્કલથી ઈન્દિરા બ્રિજ સુધી 35 કરોડથી વધુના ખર્ચથી આઇકોનિક રોડ બનાવાયો હતો. આઇકોનિક રોડ બનાવવા કોર્પોરેશને વન વિભાગની નર્સરીમાં ઉગાડેલા વૃક્ષો સહિત રોડની બંને તરફ આવેલા એક હજાર વૃક્ષો કાપી નાંખ્યા હતા.
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, દાંતામાં બે કલાકમાં 4 ઈંચ વરસાદ
પાંજરાપોળ ફ્લાય ઓવર માટે 80 ઘટાદાર વૃક્ષો મૂળથી ઉખેડી નાંખ્યા
પાંજરાપોળ જંકશન ઉપર ફ્લાય ઓવરબ્રિજ બનાવવા માટે કોર્પોરેશને પોતે જ પોલિટેક્નિક આઈ.આઈ.એમ. સુધી રોડની બંને તરફ પચાસથી પણ વધુ વર્ષ જૂના 80 ઘટાદાર વૃક્ષો મૂળથી ઉખેડી નંખાવ્યા હતા.