Narmada News: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલા નવાપુરા ગામના લોકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદના કારણે ગામનું એક મહત્ત્વનું નાળું તૂટી જતાં ગ્રામજનો અટવાયા હતા અને દૈનિક જીવન ખોરવાઈ ગયું છે.
નાળું તૂટી જતાં વાહન વ્યવહાર ઠપ
પ્રાપ્ત માહિતી અનુસાર, આ નાળું છેલ્લા ઘણાં સમયથી જર્જરિત હાલતમાં હતું. ગામના લોકો દ્વારા આ બાબતે અવારનવાર સરપંચ અને તલાટીને જાણ કરવામાં આવી હતી, પરંતુ તેમની રજૂઆતોને ધ્યાને લેવામાં આવી નહોતી. તંત્રની આ બેદરકારીનું પરિણામ એ આવ્યું કે આ વર્ષના પહેલા જ વરસાદમાં આ નાળું ધોવાઈ ગયું. નાળું તૂટી જતાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. ગ્રામજનોને ત્યાંથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. હાલની પરિસ્થિતિમાં ગામના લોકો વાહનો પસાર થઈ શકે તે માટે પથ્થરો મૂકીને જાતે જ એક જોખમી રસ્તો બનાવી રહ્યા છે અને તેમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.
આ પણ વાંચો: ગુજરાતના 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ઉલ્લેખનીય છે કે, વારંવારની રજૂઆતો છતાં સરપંચ અને તલાટી દ્વારા કોઈ પગલાં ન લેવાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રની નિષ્ક્રિયતાનો ભોગ બનેલા નવાપુરા ગામના લોકો વહેલી તકે આ નાળું ફરીથી બનાવી આપવાની પ્રબળ માંગ કરી રહ્યા છે, જેથી તેમની રોજિંદી હાલાકીનો અંત આવે અને જીવન સામાન્ય બને.