જામનગર તાલુકાના અલીયા ગામથી ચાવડાથી સ્ટેટ હાઇવે જતા રોડ પર હબીબનગર પાસે આવેલ વર્ષો જુનો બેઠો કોઝવે આવેલ હતો. આ રસ્તો અલીયાબાડા વીજરખી રોડ સ્ટેટ હાઇવેથી બીજી તરફ આવેલા કાલાવડ વંથલી ફલ્લા સ્ટેટ હાઇવેને જોડતો ભારે ટ્રાફિક ધરવતો ખુબ જ અગત્યનો રસ્તો છે. જેમા ચોમાસા દરમિયાન વરસાદનું પાણી ઓવર ટોપીંગ થતુ હોય રસ્તો બંધ થઈ જતો હતો. ઉપરાંત ઘણા વર્ષોથી નદી પર બ્રીજ ન હોવાના કારણે ભારે વરસાદ દરમિયાન આજુબાજુના લોકોને તથા વાહનચાલકોને મુશ્કેલી થતી હતી.
જામનગર માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા સરકારમાં કોઝવેની જગ્યાએ મેજર બ્રીજ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. મંજુરી મળ્યા બાદ રૂ.4 કરોડ 79 લાખના ખર્ચે 12 મીટરના 13 સ્પાનનો મેજર બ્રીજ, રસ્તા રિસર્ફેસની તથા રસ્તા પર આવતા અન્ય બેઠા પુલોની જગ્યાએ નવા 4 સ્પાન 10 મીટરના માઇનોર બ્રીજની કામગીરી કરવામાં આવી છે. બ્રીજ તથા રસ્તાના નિર્માણથી સ્થાનિક જનતાને મોટા પ્રમાણમાં લાભ મળશે. ઉપરાંત ભૌગોલિક રીતે મહત્વપુર્ણ બન્ને તરફના વિસ્તારો હવે બન્ને તરફના રાજ્ય ધોરીમાર્ગો સાથે સરળતાથી જોડાઇ જશે.