Mallikarjun kharge Targets PM Modi: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે કર્ણાટકના મૈસુરમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મણિપુરમાં થયેલી હિંસા પર પીએમ મોદીના મૌન પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘વડાપ્રધાને 42 દેશોની મુલાકાત કરી ચૂક્યા છે, પરંતુ એક પણ વખત મણિપુરની મુલાકાત લીધી નથી.’ મણિપુરમાં એક વર્ષ કરતાં પણ વધુ સમયથી જાતીય હિંસા અને અસ્થિરતા ચાલી રહી છે, જેના પર કેન્દ્ર સરકારની ભૂમિકા પર વિપક્ષ સતત સવાલો ઉઠાવી રહ્યું છે.
આ પણ વાંચો : બે સગા ભાઈઓએ એક જ યુવતી સાથે કર્યા લગ્ન, હિમાચલ પ્રદેશની પરંપરાની દેશભરમાં ચર્ચા
મણિપુર હિંસા પર પીએમ મોદી પર આકરા પ્રહારો
ખડગેએ કહ્યું કે, ‘દેશનું પૂર્વોત્તર રાજ્ય મણિપુર છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી હિંસા સામે ઝઝૂમી રહ્યું છે, પરંતુ વડાપ્રધાને ત્યાં જઈને લોકોનું દુઃખમાં સહભાગી થવાનું જરૂરી માન્યું નથી. તેમણે 42 દેશોની મુલાકાત લીધી છે, પરંતુ મણિપુર જવાનું જરૂરી ન માન્યું. શું મણિપુર ભારતનો ભાગ નથી?’
બંધારણ બદલવાની કોશિશનો પણ આરોપ
કોંગ્રેસ અધ્યક્ષે ભાજપ અને RSS પર બંધારણ બદલવાનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, ‘ભાજપ અને RSS બંધારણ બદલવા માંગે છે, પરંતુ દેશના લોકો તેમને એવું કરવા નહીં દે.’ તેમણે લોકોને બંધારણનું રક્ષણ કરવા માટે સજાગ રહેવાની પણ અપીલ કરી હતી.
કોંગ્રેસ વિરુદ્ધ ભાજપ: કામ અને વાત વચ્ચેનો તફાવત
ખડગે કોંગ્રેસ અને ભાજપની તુલના કરતા ખડગેએ કહ્યું, ‘કોંગ્રેસ પાર્ટીમાં લોકો કામ કરે છે, જ્યારે મોદીની ભાજપમાં લોકો ફક્ત વાતો કરે છે. કોંગ્રેસે હંમેશા લોકોના મુદ્દાઓને પ્રાથમિકતા આપી છે અને વિકાસને કેન્દ્રમાં રાખ્યો છે.’
આ પણ વાંચો : ‘પાંચ ફાઈટર વિમાનોનું સત્ય શું છે? દેશને જાણવાનો હક છે’, રાહુલ ગાંધીએ ટ્રમ્પના દાવાઓ પર સરકાર પાસે માગ્યો જવાબ
કર્ણાટક સરકાર પર લાગેલા આરોપોનું ખંડન
કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર નાણાકીય કટોકટીના આરોપોનો જવાબ આપતા ખડગેએ કહ્યું, ‘ભાજપ કહે છે કે કર્ણાટક સરકાર કંગાળ થઈ ગઈ છે, પરંતુ આ બિલકુલ ખોટું છે. સિદ્ધારમૈયા સરકાર રાજ્યને સારી દિશામાં લઈ જઈ રહી છે અને ભાજપનો આ આરોપ પાયાવિહોણો છે.’