રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી મહાનગરોમાં પશુ પાલન પ્રતિબંધિત કરતી કેટલ પોલિસી-2024ની અમલવારી માટે જામનગર મ્યુ. તંત્રએ બીજા દિવસે શનિવારે પણ લાયસન્સ વગર જાહેરમાં ઘાસ વેચાણ કરતા વિક્રેતાઓ ઉપર ઘોંસ બોલાવીને વધુ 5,290 કીલો પાસ જપ્ત કર્યું હતું.
શહેરમાં રખડતા પશુઓના ત્રાસ નિવારણ માટે તા.1/4/2024ના રોજ જામનગર મ્યુ. કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને કેટલ પોલિસીની અમલવારી માટે પશુપાલકો અને પાસ વિક્રેતાઓ માટે ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં પશુઓને ઘરે રાખવાના કિસ્સામાં તંત્ર પાસે રજીસ્ટ્રેશન કરાવીને લાયસન્સ મેળવીને પશુ ઘરમાં જ કાયદાકીય જોગવાઈ મુજબ સારી સ્થિતિમાં રાખવા તેમજ ઘાસ વેચાણ માટે પણ લાયસન્સ-પરમીટ પ્રક્રિયા કરી લેવા જણાવાયું હતું. પરંતુ આ જાહેરનામાની અમલવારી થઈ નથી અને આ દરમિયાનમાં પશુ હડફેટે કે પશુને કારણે સંખ્યાબંધ અકસ્માતો થયા છે. અમુક વ્યક્તિના મૃત્યુ થયા છે. ત્યારે એપ્રિલ માસમાં તંત્રએ ઘાસ જપ્તીની ઝુંબેશ ચલાવ્યા બાદ તા.18ના રોજ 15,900 કિલો અને શનિવારે 5,290 કિલો એટલે કે, 5.20 ટન ઘાસચારો જપ્ત કર્યો છે. આજે સોલીડવેસ્ટ વિભાગના રાજમા જાડેજા અને ટીમએ પંચવટી ગૌશાળા, ઈન્દીરા માર્ગ ઉપર અંબર ચોકડીથી નાગનાથ ચોકડી, અન્નપુણા ચોકડીથી ગુલાબનગર રોડ, મહાકાળી સર્કલ રીગ રોડ, પંચેશ્વર ટાવર રોડ, આર્ય સમાજ રોડથી પવનચક્કીથી રણજીતસાગર રોડ, ભોરાના હજીરા, ખોડીયાર કોલોની, કાલાવડના નાકા બહારના સાનોએ ત્રાટકીને ગેરકાયદે વેચાતું ઘાસ જપ્ત કર્યું હતું.