Arvind Kejriwal in Modasa : આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે મોડાસામાં આયોજિત ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’ માં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, ઇશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, જામ જોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, રાજુભાઈ સોલંકી, સાગર રબારી સહિતના AAP નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આપના નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા અને ખેડૂતો તથા પશુપાલકોના મુદ્દે સરકારને ઘેરી હતી.
ભાજપના લોકો ગરીબ ખેડૂતોના હકના પૈસા લૂંટીને મોટા મોટા મહેલો બનાવી રહ્યા છે: કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’ને સંબોધતાં કહ્યું હતું કે, ’30 વર્ષ શાસન કર્યા પછી ગુજરાતમાં ભાજપનો અહંકાર અને ભ્રષ્ટાચાર ચરમ પર છે. ગુજરાતમાં દૂધના ભાવના યોગ્ય ભાવ માંગી રહેલા ખેડૂતો-પશુપાલકોના પ્રદર્શન પર ભાજપ સરકારે લાઠીચાર્જ કરાવ્યો જેમાં એક ખેડૂતનું મોત થયું. 14 જુલાઈએ અશોક ચૌધરીનું દુઃખદ અવસાન થયું છતાં આ ભ્રષ્ટ સરકારે તમને તમારા હક ન આપ્યા. આ ભ્રષ્ટાચારીઓએ અશોકભાઈના પરિવારને વળતર તરીકે એક પણ પૈસો ન આપ્યો. જ્યારે આ લોકોને ખબર પડી કે અમે આવીએ છીએ એટલે બોનસ આપવાનું ખોટું એલાન કર્યું. પશુપાલકોને પોતાનો હક મળ્યો નથી અને એ હક માંગવા તેઓ ગયા હતા, પણ તેમ છતાં તેમને તેમનો હક મળ્યો નહીં.
ભાજપના લોકો ગરીબ ખેડૂતોના હકના પૈસા લૂંટીને મોટા મોટા મહેલો બનાવી રહ્યા છે. તેમણે જાહેરાત કરી કે, દેડિયાપાડામાં ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આયોજિત સભામાં તેઓ અને ભગવંત માન ઉપસ્થિત રહેશે. તેમણે ભાજપને ધમંડી અને નિરંકુશ ગણાવી, જે 30 વર્ષની સત્તાનું પરિણામ છે.
આ પણ વાંચો: ‘ગામમાં કોઈ દીકરી દેવા રાજી નથી…’ અમરેલીના આ ગામમાં બારેમાસ ભરેલા રહેતા પાણીથી હાલાકી, ગ્રામજનોએ પીડા ઠાલવી
પાટીલે ગુજરાતના ખૂણે ખૂણે કમલમ બનાવવા જમીનો ખરીદી: ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ
ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર ગરીબ ખેડૂતોના હકના પૈસા લૂંટીને મોટા મહેલો બનાવવાનો આરોપ મૂક્યો. તેમણે જણાવ્યું કે, ‘ખેડૂત અને પશુપાલકોના મહેનતના અને હકના પૈસા ચોરી કરીને સી.આર. પાટીલે ગુજરાતના ખૂણે ખૂણે કમલમ બનાવવા જમીનો ખરીદી છે. તેમણે એ વાત પર દુઃખ વ્યક્ત કર્યું કે, આપણા દેશને આઝાદ થયે 75 વર્ષ થઈ ગયા પછી પણ જો આપણે આજે ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’ કરવી પડે છે એ એક રીતે દુર્ભાગ્યની બાબત છે.’
પશુપાલકો પર અત્યાચાર કરી ભાજપે ભૂલ કરી, 2027માં પરિણામ ભોગવવું પડશે: ઇશુદાન ગઢવી
ઇશુદાન ગઢવીએ ભાજપને ચેતવણી આપતા જણાવ્યું કે, ‘જ્યારે કોંગ્રેસે ખેડૂતો પર અત્યાચાર કર્યો ત્યારથી આજ સુધી ગુજરાતમાં કોંગ્રેસનું શાસન નથી આવ્યું, હવે ભાજપે ખેડૂતો અને પશુપાલકો પર અત્યાચાર કરીને એ જ ભૂલ કરી છે અને એનું પરિણામ 2027 માં ભાજપને ભોગવવું પડશે. તેમણે સાબર ડેરી ખાતે થયેલા અત્યાચારને ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારના અહંકારનું એક ઉદાહરણ ગણાવ્યું.
આમ આદમી પાર્ટીના નેતાઓએ ખેડૂતો અને પશુપાલકોના મુદ્દે ભાજપ સરકારને આડે હાથ લીધી હતી અને આગામી ચૂંટણીઓમાં આ મુદ્દાઓ પર જનતા સમક્ષ જવાનો સંકેત આપ્યો હતો.