Gujarat ranks fifth in the country in deaths due to falling into potholes : ચોમાસામાં વરસાદી પાણીમાં રસ્તા ધોવાયા છે. ઠેર ઠેર ખાડા પડતાં વરસાદે સરકારની પોલ ઉઘાડી પડી છે. ગુજરાતભરમાં સરકાર વિરુદ્ધ જાણે જનઆક્રોશ ભભૂક્યો છે કેમકે, ખાડા પણ જીવલેણ સાબિત ઠર્યા છે. પાટણમાં વરસાદી પાણીથી પડેલા ખાડામાં પટકાતાં એક સાઇકલ ચાલકનું મોત થયું છે. નેશનલ ક્રાઇમ રૅકર્ડ બ્યુરોના મતે, ગુજરાતમાં ખાડાના કારણે 95થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. હવે સરકારને ખાડા પુરવાનું સુઝ્યું છે.
કોન્ટ્રાકટરો અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત
આ વખતે વરસાદને લીધે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા બિસ્માર બન્યા છે. ખાડા પડતાં વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. ખાડાવાળા રસ્તાઓએ જ માર્ગ મકાન વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પુરાવો છતો કર્યો છે. મળતિયા કોન્ટ્રાકટરો અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતને પગલે રસ્તાનું નબળુ બાંધકામ થઈ રહ્યું છે. ગાંધીનગરમાં એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓના આર્શીવાદથી ટેન્ડરોમાં મોટાપાયે ખાયકી થઈ રહી છે જેના કારણે રસ્તા એક જ વરસાદમાં ધોવાઈ રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત વિદ્યાપીઠમાં નવું લેંગ્વેજ સિલેક્શન સ્ટ્રક્ચર, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી ક્રેડિટ ગુણ માટે હવે અંગ્રેજી શીખશે
હજુ શહેરોમાં રસ્તા ઉબડ-ખાબડ
આ તરફ સરકારે જ મોટાઉપાડે જાહેરાત કરી હતી કે, શહેરોમાં રસ્તાના સમારકામ માટે રૂ. 167 કરોડની ફાળવણી કરવામાં આવી છે. કરોડો રૂપિયાના ખર્ચ પછીય આજેય શહેરોમાં રસ્તા ઉબડ-ખાબડ રહ્યા છે. પાટણમાં જૂનાગંજ બજાર નજીક એક સાયકલ ચાલક વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં ખાબક્યો હતો જેના કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ મુદ્દે ધારાસભ્ય કીરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને ગરીબ પરિવારને આર્થિક મદદ કરવા ગુહાર લગાવી છે.
ખાડામાં પડવાથી મોત મામલે ગુજરાત દેશમાં પાંચમાં ક્રમે
વાસ્તવમાં વર્ષ 2022ના નેશનલ ક્રાઇમ રૅકર્ડ બ્યુરોના મતે, ખાડાથી થયેલા મૃત્યુ મામલે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે છે. ગુજરાતમાં ખાડામાં પડવાથી 75 પુરુષ અને 21 મહિલાઓના મૃત્યુ થયા છે. ભારતમાં ખાડાને કારણે કુલ મળીને 800થી વધુ લોકોના મોત થયા છે જેમાં રાજસ્થાન પ્રથમ નંબરે રહ્યું છે. આ રાજ્યમાં ખાડામાં પડવાથી 124 લોકોના જીવ ગયા છે. મહારાષ્ટ્રમાં 113 અને મઘ્યપ્રદેશમાં 104ના મોત થયા છે.
આમ, અત્યાર સુધી 18 હજારથી વધુ ખાડાઓને પૂરી રસ્તાનું સમારકામ કરાયું છે તેવું જણાવી ભાજપ સરકાર વાહવાહી મેળવવામાં વ્યસ્ત રહી છે. વાસ્તવમાં હજુય રસ્તાઓના કામોમાં ખૂબ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે જેના કારણે રસ્તાઓ બિસ્માર થયા છે.