સુરતમાં સ્વચ્છતા સર્વેક્ષણ ટીમ આવી છે અને પાલિકાની ટીમ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને સ્વચ્છતાની કામગીરી વધુ સઘન બનાવી દીધી છે પરંતુ પાલિકાની જ કેટલીક મિલકતમાં સફાઈની કામગીરી થતી ન હોવાથી તેનો દુરુપયોગ થઈ રહ્યો છે. પાલિકાની ટીમ રાંદેર ટાઉન માં પાલિકાના પાર્ટી પ્લોટમાં હાલ કોઈ ધણીધોરી ન હોય તેવી હાલત હોવાથી તેમાં ડ્રગ્સની હેરાફેરી અને વેશ્યાવૃત્તિ સહિતના ગેરકાયદે કૃત્ય થતો હોવા સાથે કસાઈઓ પ્રાણીઓની કતલ કરતા હોવાની ગંભીર ફરિયાદ પાલિકા તંત્રને કરવામાં આવી છે તેમ છતાં હજી સફાઈ કામગીરી શરૂ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સુરત પાલિકાના રાંદેર ટાઉનમાં આવેલા પાલિકાના પાર્ટી પ્લોટની હાલત લાંબા સમયથી બગડેલી છે અને અહી અસામાજિક તત્વોનો કબ્જો છે. જેના કારણે સ્થાનિકો સીધી ફરિયાદ કરતાં પણ ડરી રહ્યાં છે. પરંતુ હાલમાં મ્યુનિ. તંત્રને એક નાગરિકે ઓનલાઈન ફરિયાદ કરી પાલિકાની મિલકત માં અનેક ગેરકાનુની કામ થતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ અરજીમાં ગંભીર ફરિયાદ એવી કરવામા આવી છે કે, આ મ્યુનિસિપલ મિલકતનો ગેરકાયદેસર હેતુઓ માટે ભારે દુરુપયોગ થઈ રહ્યો છે, જેમાં ડ્રગ્સની હેરાફેરી અને વેશ્યાવૃત્તિનો સમાવેશ થાય છે, ખાસ કરીને રાત્રિના સમયે. વધુમાં, આ જગ્યાનો ઉપયોગ ખુલ્લા શૌચાલય તરીકે થઈ રહ્યો છે, આ ઉપરાંત, ભિખારીઓએ ઇમારતની અંદર આશ્રય લીધો છે, અને કસાઈઓ પરિસરમાં પ્રાણીઓની કતલ કરતા જોવા મળ્યા છે અને સરકારના અનેક નિયમોનો ભંગ થઈ રહ્યો છે.
મ્યુનિસિપલ મિલકતના આ દુરુપયોગથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને નોંધપાત્ર નાણાકીય નુકસાન તો થાય જ છે, પરંતુ આ વિસ્તાર માટે કાયદા અને વ્યવસ્થાની ગંભીર સ્થિતિ થઈ રહી છે જેના કારણે સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. અનધિકૃત વ્યક્તિઓને વ્યક્તિગત લાભ અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે મ્યુનિસિપલ મિલકતનો ઉપયોગ કરતા અટકાવવા સાથે સફાઈ કરી આ પ્લોટ સ્થાનિક લોકોને ઉપયોગમાં આવે તેવી કામગીરી કરવા માંગણી કરવામાં આવી છે.