Rahul Gandhi Statement On Sikhs In America Case : ઉત્તર પ્રદેશના વારાણસીમાં લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીના કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ નોંધાયો છે. વારાણસીની એમપી-એમએલએ કોર્ટે સોમવારે (21 જુલાઈ) તે અરજી સ્વિકારી છે, જેમાં અમેરિકા પ્રવાસ વખતે રાહુલના ભડકાઉ ભાષણના કારણે શીખ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી હોવાનો આક્ષેપ કરાયો છે. રાહુલ ગાંધી સપ્ટેમ્બર-2024માં અમેરિકાના પ્રવાસે ગયા હતા.
બે વખત અરજી ફગાવ્યા બાદ અંતે સ્વિકારાઈ
એમપી-એમએલએ કોર્ટના ન્યાયાધીશ યજુવેન્દ્ર વિક્રમ સિંહે નાગેશ્વર મિશ્રા નામના ગ્રામપ્રમુખની અરજી સ્વિકારી લીધી છે, જેમાં રાહુલ ગાંધી પર આક્ષેપ કરાયો છે. અગાઉ ટેકનિકલ વાંધાઓના કારણે બે વખત અરજી ફગાવી દેવાઈ હતી. છેવટે અરજીને સુનાવણી માટે મંજૂરી આપી દેવાઈ છે. કોર્ટ આગામી દિવસોમાં રાહુલ ગાંધીને બોલાવી પણ શકે છે.
આ પણ વાંચો : જગદીપ ધનખડે સ્વાસ્થ્ય કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદેથી આપ્યું રાજીનામું
રાહુલ પર શીખ વિરોધી ભડકાઉ ભાષણ કરવાનો આક્ષેપ
અરજીમાં રાહુલ ગાંધી પર શીખો વિરુદ્ધ ભડકાઉ ભાષણ કરવાનો આક્ષેપ કરાયો છે. રાહુલ ગાંધી સપ્ટેમ્બર-2024માં અમેરિકાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ‘ભારતમાં શીખ સમુદાયને એ ચિંતા છે કે, શું તેમને પાગડી અને કડું પહેરવાની મંજૂરી અપાશે? શું તેઓ ગુરુદ્વારાઓમાં જઈ શકશે? આ ચિંતા માત્ર શીખોની જ નહીં, તમામ ધર્મોની છે.’
અરજીમાં આતંકી પન્નુનો ઉલ્લેખ
અરજીમાં એવું પણ કહેવાયું છે કે, રાહુલ ગાંધીના શીખ વિરોધી નિવેદનનું આતંકી ગુરપતવંત સિંહ પન્નુએ પણ સમર્થન કર્યું હતું. અરજદારે કહ્યું કે, રાહુલના નિવેદનથી લાગી રહ્યું છે કે, તેઓએ દેશમાં ગૃહયુદ્ધ ભડકાવવાના ઈરાદાથી શીખ વિરોધી નિવેદન બોલ્યા હતા. અરજદારના વકીલ શંકર તિવારી અને અલખ રાયે કોર્ટમાં પક્ષ રાખ્યો છે, જ્યારે સરકાર તરફથી એડીજીસી વિનય કુમાર સિંહ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : ઓપરેશન સિંદૂર પર સંસદમાં 16 કલાક થશે ચર્ચા, વિપક્ષના ભારે હોબાળા બાદ સરકારનો નિર્ણય
અગાઉ બે વખત અરજી ફગાવાઈ હતી
આ પહેલા 28 નવેમ્બર-2024માં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ મિશ્રાએ એમપી-એમએલએ કોર્ટમાં ફરી અપીલ કરતા અરજી સ્વિકારી લેવાઈ છે. એવું કહેવાય છે કે, કોર્ટ રાહુલ ગાંધીને સમન્સ પાઠવી શકે છે. તેમના વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ટ્રાયલ શરૂ થઈ શકે છે. કાયદાકીય નિષ્ણાંતોનું કહેવું છે કે, જો રાહુલ ગાંધી કોર્ટમાં હાજર નહીં થાય તો બિન-જામીનપાત્ર વોરંટ જારી થઈ શકે છે.
આ પણ વાંચો : વિદ્યાર્થીઓની સુરક્ષા માટે CBSEનો મોટો નિર્ણય, તમામ શાળાઓને CCTV લગાવવા આદેશ, નિયમ પણ જાહેર