Jagdeep Dhankhar: સોમવારે અચાનક ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપી દીધું, અને કહ્યું કે, ‘હું હવે મારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માંગુ છું.’ 74 વર્ષીય જગદીપ ધનખડ વર્ષ 2022થી ઉપરાષ્ટ્રપતિ પદ પર હતા અને કાર્યકાળ પૂર્ણ થતા પહેલા જ તેમણે રાજીનામું આપી દેતા અનેક પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે.
જગદીપ ધનખડ પોતાના રાજીનામા પર પુનર્વિચાર નહીં કરે
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાના રાજીનામા પર પુનર્વિચાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે આ નિર્ણય તેમના પરિવાર સાથે સલાહ લીધા પછી લીધો છે અને ફક્ત સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું છે. આ ઉપરાંત તેમણે એવો પણ નિર્ણય લીધો છે કે તેઓ વિદાઈ ભાષણ પણ નહીં આપે
ઉપરાષ્ટ્રપતિના રાજીનામાંના કારણે અનેક પ્રશ્નો
સંસદના ચોમાસું સત્રના પહેલા દિવસે તેમનું રાજીનામું ખૂબ જ આશ્ચર્યજનક છે. દિવસ દરમિયાન, તેઓ રાજ્યસભામાં હાજર હતા, જ્યાં ગૃહના નેતા જેપી નડ્ડા અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ઓપરેશન સિંદૂર અને પહલગામ હુમલા અંગે ઉગ્ર ચર્ચા થઈ હતી. આ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિને એમ કહેતા સાંભળવામાં આવ્યા કે, હું આ અંગે ખાતરી કરીશ કે આ મુદ્દાના તમામ પાસાઓ પર ચર્ચા થાય.
બાદમાં તેમણે વિપક્ષ અને શાસક પક્ષની બેઠક બોલાવી, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે શાસક પક્ષના સાંસદો પહોંચ્યા નહતા. આ પછી મોડી સાંજે જગદીપ ધનખડે રાજીનામાંની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: પાકિસ્તાન સરહદ નજીક એર ફોર્સની ગર્જના: રાફેલ અને સુખોઈ કરશે શક્તિ-પ્રદર્શન
ધનખડના રાજીનામાં બાદ ઉઠી રહ્યા છે સવાલ
તેમનો 23 જુલાઈનો જયપુર પ્રવાસ પહેલેથી જ નક્કી હતો, જેનો સીધો અર્થ છે કે રાજીનામાંનો નિર્ણય અચાનક જ લેવાયો
જો આરોગ્યના કારણે રાજીનામું આપ્યું હોય તો સંસદ સત્રના પ્રથમ દિવસે તેઓ સક્રિય હતા અને કોઈ સમસ્યા જણાતી નહોતી
આરોગ્ય આટલું જ ખરાબ હતું તો ચોમાસું સત્ર શરૂ થાય તે પહેલા જ રાજીનામું કેમ ન આપ્યું?
શું જગદીપ ધનખડ અને સરકાર વચ્ચે કોઈ મુદ્દે ટકરાવ થઈ રહ્યો હતો?
ભારતના બંધારણ અનુસાર આગામી 60 દિવસોમાં નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવી અનિવાર્ય છે. નવા ઉપરાષ્ટ્રપતિ ચૂંટાય ત્યાં સુધી રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ કાર્યવાહક સભાપતિ રહેશે.