Surat Corporation : સુરત પાલિકામાં ત્રીજા વર્ગના કર્મચારીઓની ભરતી વખતે 10 ટકા ચોથા વર્ગના કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવે છે. પરંતુ લાંબા સમયથી આ પ્રક્રિયા થઈ નથી. આ માટે અરજી મંગાવ્યા બાદ પણ પ્રક્રિયા ન થતાં આજે ચોથા વર્ગના કર્મચારીઓએ પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓને રજુઆત કરી હતી. રજુઆતમાં જણાવ્યું છે કે, હાલ કમર્ચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ મળે છે એટલે ત્રીજી શ્રેણી ક્લાર્ક તરીકે નિમણુંક આપે તો પણ વધુ આર્થિક બોજો પડે તેમ નથી.
સુરત પાલિકામાં ત્રીજા વર્ગના કર્મચારીઓની જ્યારે પણ ભરતી થાય છે ત્યારે કુલ બેઠકમાંથી 10 ટકા બેઠક પાલિકામાં ચોથા વર્ગના કર્મચારી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓની શૈક્ષણિક લાયકાત માટે અનામત રાખવામાં આવે છે. જોકે, તેનો અમલ લાંબા સમયથી થતો નથી તેથી કર્મચારીઓએ રજૂઆત કરી હતી. પાલિકાના ચોથા વર્ગના કર્મચારીઓ ત્રીજી શ્રેણી (ક્લાર્ક કેડર)માં સમાવિષ્ટ થવા માટેની ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તેવી માંગણી અધિકારીઓ સમક્ષ રજૂ કરી છે. રજુઆતમાં વધુમાં જણાવ્યું છે કે, સુરત પાલિકાએ ડિસેમ્બર 2023માં જાહેરાત આપી હતી જેમાં પાલિકામાં ચોથા વર્ગના કર્મચારી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ ત્રીજી શ્રેણી ક્લાર્કની કેડરની લાયકાત ધરાવતા હોય તેની પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવી હતી. જોકે, આ પ્રક્રિયાને 10 મહિના કરતા પણ વધુ સમય થઈ ગયો છે તેમ છતાં લાયકાતમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. ત્યારબાદ વર્ષ 2025 માં ડે.કમિશ્નર દ્વારા પરિપત્રના આધારે બીજી વખત અરજી મંગાવી હતી.
પાલિકાના ચોથા વર્ગના કર્મચારીઓ પાસે બે વખત અરજી મંગાવી હોવા છતાં કોઈ કામગીરી કરવામા આવી નથી. આ માટે દોઠ વર્ષ જેટલો સમય થઈ ગયો છે ભરતી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, લેખિત તથા મૌખિક પરીક્ષા માટેનું માળખું, તેમજ લેખિત તથા મૌખિક પરીક્ષા લેવાનું આયોજન બાબતે જાહેરાત કરવામાં આવે તો ઉમેદવારને તૈયારી માટે સમય મળી શકશે. આ પ્રકારની અરજી કરનારા ચોથા વર્ગના કર્મચારી સંખ્યા મર્યાદિત છે ઉપરાંત અરજી કરનારા કર્મચારીઓને 10 વર્ષ કે તેથી વધુ સમય થયો હોય ઉચ્ચતર પગાર ધોરણ મેળવે છે તેથી ત્રીજી શ્રેણી ક્લાર્ક કેડરનાં પગાર ધોરણ મુજબ હોવાથી સુરત મહાનગરપાલિકાને આર્થિક રીતે વધુ બોજો પડે તેમ નથી. આવી સ્થિતિમાં ચોથા વર્ગમાંથી ઉપલા વર્ગમાં પ્રવેશ મળે અને આપ થકી આગળ વધે તે માટે ઝડપી કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે.