Jagdeep Dhankhar Resignation: ચોમાસું સત્રના પ્રથમ દિવસે જ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામાં બાદ કોંગ્રેસે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે બેઠકમાં સદનના નેતા જેપી નડ્ડા અને સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂની ઉપસ્થિતિ પર સવાલો ઉઠાવ્યા હતા. આ મામલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે બેઠકમાં સામેલ ન હોવાનું કારણ જણાવ્યું હતું કે, સંસદીય કાર્યોમાં વ્યસ્ત હતાં.
ઉપરાષ્ટ્રપતિની બેઠકનો કેમ ગેરહાજર રહ્યાં?
જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, કિરેન રિજિજૂ અને હું ઉપ રાષ્ટ્રપતિ દ્વારા બોલાવવામાં આવેલી 4.30 વાગ્યાની બેઠકમાં ભાગ લઈ શક્યા નહીં, કારણકે, અમે અન્ય મહત્ત્વપૂર્ણ સંસદીય કાર્યોમાં વ્યસ્ત હતાં. આ અંગે અમે માનનીય ઉપરાષ્ટ્રપતિની ઓફિસમાં સૂચના આપી હતી. તદુપરાંત મેં રાજ્યસભામાં જે વાત કરી હતી, જે હું બોલી રહ્યો છું, તે જ ઑન-રેકોર્ડ હશે. આ વાત વિપક્ષના રોક-ટોક કરતાં સાંસદો માટે હતી, સભાપતિ માટે નહીં.
આ પણ વાંચોઃ ઉપરાષ્ટ્રપતિના રાજીનામાંને લઈને મોટા સમાચાર: વિદાઈ ભાષણ પણ નહીં આપે ધનખડ, સંસદમાં ગેરહાજર
શું જેપી નડ્ડાથી નારાજ થયા હતાં જગદીપ ધનખડ
સદનની કાર્યવાહી દરમિયાન બપોરે 4.30 વાગ્યે બિઝનેસ એડવાઈઝરી કમિટીની બીજી બેઠક થઈ હતી. જેમાં સત્તા પક્ષ તરફથી સૂચના અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરૂગન સામેલ થયા હતાં. મુરૂગને ધનખડને બેઠક આગામી દિવસ (મંગળવાર) માટે રિશિડ્યુલ કરવા આગ્રહ કર્યો હતો. આ બેઠકમાં નડ્ડા અને રિજિજૂ હાજર થયા ન હતાં. જેથી ધનખડ તેમનાથી નારાજ થયા હતાં. ઉલ્લેખનીય છે, આખા બોલા ધનખડે જસ્ટિસ યશવંત વર્માથી માંડી અનેક કેસમાં સરકાર અને સુપ્રીમ કોર્ટ વિરૂદ્ધ આક્રમક નિવેદનો આપ્યા છે.
કોંગ્રેસ સાંસદનો દાવોઃ નડ્ડાએ સભાપતિનું કર્યું અપમાન
કોંગ્રેસ સાંસદ સુખદેવ ભગતે BAC બેઠકમાં જેપી નડ્ડા અને રિજિજૂ ઉપસ્થિત ન રહેતાં અનેક સવાલો ઉઠાવ્યા હતાં. ANIના રિપોર્ટ અનુસાર, સુખદેવ ભગતે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વિશે કહ્યું હતું કે, તેમના રાજીનામાની પટકથા પહેલાંથી જ લખાઈ ગઈ હતી. સદનમાં જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, મારા શબ્દ રેકોર્ડમાં નોંધાશે, જે સીધે સીધુ સભાપતિનું અપમાન છે.