Surat Corporation : થોડા દિવસ પહેલાં ભાજપ કાર્યાલય પર ભાજપના બે કોર્પોરેટર વચ્ચે થયેલી લડાઈ હવે સામાન્ય સભામાં પહોંચી છે. જોકે, સભામાં બે કોર્પોરેટર નહી પરંતુ કાર્યાલય પર ભાજપના કોર્પોરેટરે જે ટીપ્પણી કરી હતી. તે શબ્દનો ઉપયોગ વિપક્ષના કોર્પોરેટરે કરતાં ટીપ્પણી કરનાર ભાજપના કોર્પોરેટર મારવા ધસી ગયાં હતા. આ હોબાળા બાદ મેયરે વિપક્ષના કોર્પોરેટરને સસ્પેન્ડ કરી દીધા હતા અને એક સાથે બધા કામ મંજુર કરાવી દીધા હતા.
થોડા દિવસ પહેલાં ભાજપ કાર્યાલય પર ભાજપના કોર્પોરેટર દિપન દેસાઈએ કોર્પોરેટર વ્રજેશ ઉનડટ લારી ગલ્લા સમિતિના અધ્યક્ષ છે તેવી ટીપ્પણી કરી હતી. આ ટિપ્પણી બાદ બન્ને કોર્પોરેટરો વચ્ચે ગાળા ગાળી થઈ હતી. મહિલા કોર્પોરેરો સામે ગાળાગાળી થતા ભાજપે શો કોઝ નોટિસ આપી ખુલાસો માંગ્યો હતો. આ ખુલાસા બાદ ભાજપે કોઈ પગલાં ભર્યા નથી પરંતુ ટીપ્પણી કરનારા કોર્પોરેટરની પ્રદેશ પ્રમુખે બે દિવસ પહેલા ઝાટકણી કાઢી હતી.
દરમિયાન આજની સામાન્ય સભામાં ભાજપના વ્રજેશ ઉનડકટ કોઈ કોમેન્ટ કરવા જતા હતા ત્યારે વિપક્ષના કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ લારી ગલ્લાવાળા ચેરમેનને બોલતા અટકાવો તેવી વાત કરી હતી. જોકે, વ્રજેશ જવાબ આપે તે પહેલાં ભાજપ કાર્યાલય પર ટીપ્પણી કરનારા કોર્પોરેટર દિપન દેસાઈ વિપક્ષના કોર્પોરેટરને મારવા ધસી ગયાં હતા. જેના કારણે ભારે હોબાળો થઈ ગયો હતો. દરમિયાન વિપક્ષના મહિલા કોર્પોરેટરે મેયરને ફરિયાદ કરી હતી કે તમારા કોર્પોરેટરો ગાળો બોલે છે. આ હોબાળા બાદ મેયરે વિપુલ સુહાગીયાને શબ્દ પાછા ખેંચવા માટે જણાવ્યુ હતું તેઓએ શબ્દો પાછા ન ખેંચતા વિપુલ સુહાગીયાને સસ્પેન્ડ કરવામા આવ્યા હતા.
વિપક્ષી કોર્પોરેટર વ્રજેશ ઉનડકટને ઉદ્ધેશની બોલ્યા હતા પરંતુ દિપન દેસાઈ મારવા ધસી જતાં ભારે કુતુહલ થયું હતું. જોકે, એવી ચર્ચા ચાલી રહી છે કે હાલમાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભારે ઝાટકણી કાઢી હતી અને સભામાં વિપક્ષે દુખતી રગ પર હાથ મુકી દેતા દિપન દેસાઈ મારવા દોડ્યા હતા તેવી ચર્ચા થઈ રહી છે.