Heavy Rain South Vapi: વલસાડ જિલ્લામાં આજે પણ સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે અને સવારથી જ તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને વાપી અને કપરાડામાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.ઉલ્લેખનીય છે કે રાજયમાં છેલ્લા 24 કલાકમાં 83 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના વ્યારામાં માત્ર 1. 22 ઇંચ નોંધાયો હતો, જ્યારે વલસાડના ધરમુપરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.
વાપી માત્ર બે કલાકમાં 2.4 ઈંચ વરસાદ
વાપીમાં માત્ર બે કલાકમાં જ 2.4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વાપીના ઝંડા ચોક, મુખ્ય બજાર અને અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાના કારણે વાપીનો અંડરપાસ લોકોની અવરજવર માટે બંધ કરવાની ફરજ પડી હતી. ભારે વરસાદના કારણે વાપીમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.
કપરાડામાં પણ મેઘમહેર
વલસાડ જિલ્લાના વાપી ઉપરાંત કપરાડામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. કપરાડામાં પણ બે કલાકમાં 3.6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે 29 જુલાઈ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. જેથી નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
સિઝનનો કુલ વરસાદ
રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ વિસ્તારમાં સૌથી વધુ 64 ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 59.11 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.04 ટકા, સૌરાષ્ટ્રમાં 54.02 ટકા અને પૂર્વ મધ્યમાં 51.64 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
રાજ્યના ડેમની સ્થિતિ
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 59.42 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં હાલ પાણીનો સંગ્રહ 1,98,503 એમ.સી.એફ.ટી. નોંધાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,40,817 એમ.સી.એફ.ટી. પાણી સંગ્રહાયું છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 61.06 ટકા જેટલું છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 206 ડેમો પૈકી કુલ 28 ડેમ સંપૂર્ણ ભરાયા છે. આ ઉપરાંત 48 ડેમને હાઇ ઍલર્ટ, 19 ડેમને ઍલર્ટ તથા 23 ડેમને વોર્નિંગ આપવામાં આવી છે. રાજ્યમાં કુલ 206 ડેમો પૈકી 62 ડેમ 70 ટકાથી 100 ટકા, 41 ડેમ 50 ટકાથી 70 ટકા તથા 38 ડેમ 25 ટકાથી 50 ટકા જેટલા ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.
કેટલું થયું ખરીફ–ચોમાસું પાકનું વાવેતર
ચાલુ ચોમાસા સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 25 જુલાઈ 2025ની સ્થિતિએ ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં કુલ 58.38 લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે, 68.23 ટકા વિસ્તારમાં ખરીફ–ચોમાસું પાકનું વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 19.42 લાખ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં બીજા ક્રમે 19.62 લાખ હેકટર વિસ્તારમાં કપાસના પાકનું વાવેતર કરાયું છે.