Jamnagar : જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં સોની કામની દુકાન ધરાવતા સોની વેપારી જામનગરના પિતા પુત્ર અને રાજકોટના એક શખ્સ સહિતની ત્રિપુટીની છેતરપિંડીનો શિકાર બન્યા છે. રાજકોટની ફાઇનાન્સ કંપનીમાંથી સાડા આઠ તોલા સોનું છોડાવવા માટે અને કમિશનથી વેચાણના બહાને વેપારી પાસેથી ચાર લાખ રૂપિયા મેળવી લીધા પછી સોનું નહીં આપી હાથ ખંખેરી લીધા હતા. જે પૈસાની માંગણી કરતાં ધાકધમકી અપાઇ હોવાથી આખરે ત્રણેય શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં શ્રીજી જ્વેલર્સ નામની સોના ચાંદીના ઘરેણાંની દુકાન ધરાવતા વેપારી પાર્થભાઈ ભુપતભાઈ પોલરાએ પોતાની સાથે રૂપિયા ચાર લાખની છેતરપિંડી કરવા અંગે જામનગરના ગ્રીન સિટી વિસ્તારમાં રહેતા પિતા પુત્ર નૈમિશ અતુલભાઇ પિત્રોડા અને અતુલભાઇ પિત્રોડા તેમજ રાજકોટના યુસુફભાઈ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી પિતા પુત્ર નેમિશભાઈ અને અતુલભાઇ કે જેઓએ પોતાનું સોનું રાજકોટની એક ફાઇનાન્સની ઓફિસમાં પડેલું છે, જેનું વજન સાડા આઠ તોલા જેટલું થાય છે. જે વેચાણથી આપવામાંટે અને તેમાં કમિશન મેળવવા છે વેપારીને છેતર્યા હતા.
પોતાનું સોનું છોડાવવા માટે રાજકોટમાં 4 લાખ રૂપિયા ભરવા પડશે તેમ કહી ફરિયાદી વેપારીના માતા પાસેથી 4,00,00 રૂપીયાની રકમ મેળવી લીધા બાદ રાજકોટમાં સોનુ છોડાવવા માટે ગયા હતા, અને સોનું આપ્યું નહતું, તેમજ લાંબો સમય વીતી ગયો હોવા છતાં ચાર લાખની રકમ પણ આપી ન હતી, અને પૈસાની માંગણી કરવા જતા જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી.
આથી મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પીએસઆઇ ડી.જે. રામાનુજે ત્રણેય આરોપીઓ સામે છેતરપિંડી સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તપાસનો દોર રાજકોટ સુધી લંબાવ્યા છે.