– એસીબીએ રેલવેના ઈલેક્ટ્રીક એન્જિનિયરને સપ્તાહ પૂર્વે લાંચ લેતા ઝડપ્યો હતો
– જેલમાં જતા બચવા રેલવેના કર્મચારીએ બ્લડપ્રેશર અને સુગરનું કારણ ધર્યું હતું
ભાવનગર : ભાવનગર રેલવે ડિવિઝનના આસીસ્ટન્ટ ઇલેક્ટ્રીક એન્જિનિયરએ ઇલેક્ટ્રીક કોન્ટ્રાક્ટના રૂપીયા દસ લાખની રકમનાં રનિંગ બીલોની એપ્રુવ આપવા પેટે રૂ.૬૫ હજારની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોની ટ્રેપમાં રંગે હાથે ઝડપાયા હતા. ભાવનગર એસીબીએ બે દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ આસીસ્ટન્ટ ઇલેક્ટ્રીક એન્જિનિયર બીમારીનું બહાનું ધરી સરકારી હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો અને સરકારી હોસ્પિટલના સત્તાધીશો તેમને છાવરી હોસ્પિટલમાં સુવિધાઓ પૂરી પાડી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
ભાવનગર રેલવે ડિવિઝનના આસીસ્ટન્ટ ઇલેક્ટ્રીક એન્જિનિયરએ ઇલેક્ટ્રીક કોન્ટ્રાક્ટના રૂપીયા દસ લાખની રકમનાં રનિંગ બીલોની એપ્વલ આપવા પેટે રૂ.૬૫,૦૦૦ લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોની ટ્રેપમાં રંગે હાથે ઝડપાયા હતા. આ સમગ્ર તપાસ ભાવનગર એસીબીને સોંપવામાં આવતા એન્જિનિયરના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાંના બીજે દિવસે બીમારીની પીપુડી એન્જિનિયરે વગાડી હતી. એસીબીએ તુરત જ સર તખ્તસિંહજી હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો હતો. માત્ર સુગર અને બ્લડપ્રેશનની તકલીફ હોય હોસ્પિટલના સત્તાધીશોએ આઈઆઈસીયુમાં એન્જિનિયરને સારવારમાં મોકલી આપ્યો હતો અને હોસ્પિટલના સત્તાધીશો દ્વારા એન્જિનિયરને આઈઆઈસીયુમાં તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
દર્દીનું હાર્ટબીટ અનિયમિત અને સુગર વધારે હોવાથી સારવાર જરૂરી હતી : આરએમઓ
રેલવે કર્મચારીને આઈઆઈસીયુમાં સુવિધા પુરી પાડવામાં આવતી હોવાના આક્ષેપોને ફગાવતા સર ટી.હોસ્પિટલના આરએમઓએ જણાવ્યું હતું કે, તા.૨૪-૦૭ના રોજ પોલીસ આરોપી દર્દીને સારવારમાં લાવી ત્યારે તેને સુગર, બ્લડપ્રેશન, હાઈપરટેન્શન હતું તથા હાર્ટબીટ અનિયમિત હોવાથી તેને સારવાર માટે આઈઆઈસીયુમાં સારવાર આપવામાં આવી હતી. હાલ સુગર વધારે છે બાકી તબિયતમાં સુધારો હોવાથી જનરલ વોર્ડમાં શિફ્ટ કરાયા છે.