Panchamahal News: પંચમહાલના શહેરાના પાલીખંડા ગામે વર્ષો જૂનું અને ઐતિહાસિક મરડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહીં ભગવાન શિવનું પ્રાચીન અને સ્વયંભૂ શિવલિંગ છે, ત્યારે શ્રાવણ માસ દરમિયાન પંચમહાલ સહિત ગુજરાત અને દેશના ખૂણે-ખૂણેથી ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે.
મરડેશ્વર મહાદેવ મંદિરનો પુરાણોમાં પણ ઉલ્લેખ
પંચમહાલ જિલ્લાના શહેરાથી માત્ર 1 કિ.મી. દૂર આવેલા પાલીખંડા ગામે લુણાવાડા હાઇવેની બાજુમાં ઐતિહાસિક મરડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જ્યાં દરરોજ હજારો યાત્રાળુઓ દર્શનાર્થે આવી છે અને મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ મંદિરનો પુરાણોમાં પણ ઉલ્લેખ કરાયો છે.
મરડેશ્વર મહાદેવ મંદિર અને શિવલિંગનો ઇતિહાસ
શહેરાના મરડેશ્વર મહાદેવ મંદિરની સૌથી મહત્ત્વની વાત તો એ છે કે, આ મંદિરનું શિવલિંગ ભગવાન શિવનું પ્રાચીન અને સ્વયંભૂ વિશ્વનું સૌથી વિશાળ શિવલિંગ છે. આ ભવ્ય શિવલિંગ મરડ નામના પથ્થરમાંથી બનેલું હોવાથી આ મંદિર મરડેશ્વર તરીકે ઓળખાય છે. પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિરમાં સ્વયં ભોળાનાથ હાજરા હજુર છે.
આ પણ વાંચો: VIDEO: જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવને શ્વેત-રક્ત શૃંગાર, અક્ષત-રૂ અને લાલ રક્ષાસૂત્રથી દિવ્ય બન્યું શિવલિંગ!
‘શિવલિંગના ખાડામાં સ્વયંભૂ અવિરત ગંગાજળ વહે છે’
એવુ કહેવાય છે કે, આ શિવલિંગના ખાડામાં સ્વયંભૂ અવિરત ગંગાજળ વહે છે. આ સ્વયંભૂ શિવલિંગ પ્રતિવર્ષ મહાશિવરાત્રિની રાત્રે ચોખાના દાણા જેટલું વધતું હોવાની માન્યતા છે. આ મંદિરે દર વર્ષે શ્રાવણ મહિના દરમિયાન દર સોમવારે અને જન્માષ્ટમી એટલે કે આઠમના દિવસે ભવ્ય મેળો ભરાય છે. તેજમ મહાશિવરાત્રિ, આમળી અગિયારસનો પણ ભવ્ય મેળો ભરાય છે. જેમાં પંચમહાલ જિલ્લા સહિત આસપાસના વિસ્તાર સહિત ગુજરાત અને દેશના ખૂણે-ખૂણેથી ભક્તો દર્શનાર્થે આવે છે.
આ પણ વાંચો: સુરતના કંતારેશ્વર મહાદેવ: 7000 વર્ષ જૂનો ઇતિહાસ, શિવલિંગ પર ગાયની ખરીનું અનોખું રહસ્ય
શિવલિંગ છતને સ્પર્શતા સતયુગનો પ્રારંભ થશે!
અહીં દર્શન કરવા આવતા ભક્તો શિવલિંગ પર દૂધ, પાણી તેમજ બીલીપત્રો ચઢાવીને પૂજા-અર્ચના કરે છે. નિયમિત અહીં ભજન અને ભંડારો થતો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. જ્યારે નિયમિત થતી આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે. આ મંદિરમાં શિવલિંગનો આકાર તદ્દન વિશિષ્ટ હોવાથી ભક્તોને શિવલિંગના દર્શન દુર્લભ લાગે છે. ચાર યુગના ચાર ખંડમાં વહેચાયેલું સ્વયંભૂ શિવલિંગ હાલ કલયુગના ભાગમાં વિકસિત થઇ રહ્યું છે. જેનો વિકાસ પૂર્ણ થઇ મંદિરની છત સુધી પહોંચશે ત્યારે પુનઃ સત યુગનો પ્રારંભ થશે એવી લોકવાયકાઓ પણ જોડાયેલી છે. મરડેશ્વર મહાદેવ મંદિરના સ્વયંભૂ શિવલિંગનો અનેરો મહિમા છે, જેથી દરેક ભક્તો માટે આસ્થાનું પ્રતિક છે.