વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતમાં વિલંબમાં પડતા કામો અંગેની રજૂઆતમાં ચૂંટાયેલી મહિલા સભ્યો વતી તેમના પતિ હાજર રહેતાં ડીડીઓ નારાજ થયા હતા અને તેમણે સભ્ય પતિઓને ટકોર કરતાં વિવાદ સર્જોયો છે.
ગ્રામ પંચાયતોથી માંડીને તાલુકા,જિલ્લા પંચાયત અને કોર્પોરેશનમાં ચૂંટાયેલા મહિલા સભ્યો વતી તેમના પતિઓ વહીવટ કરતા નજરે પડતા હોય છે.ભૂતકાળમાં મીટિંગોમાં પણ પતિદેવોની હાજરીને કારણે વિવાદ સર્જોયો હોવાના કિસ્સા બનેલા છે.પરંતુ મહિલા સભ્યોના પતિ તેમના વિસ્તારના કામો અને સામાજિક કારણોને આગળ ધરી પત્ની વતી પોતાની હાજરીનું કારણ આગળ ધરતા હોય છે.
આવો જ એક વિવાદ વડોદરા જિલ્લા પંચાયતમાં સર્જાયો છે.જેમાં છેલ્લા બે વર્ષથી તાંત્રિક મંજૂરીને મુદ્દે પેન્ડિંગ રહેલા પેવર બ્લોક,સંરક્ષણ દીવાલ જેવા કામોના મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના ૧૫ જેટલા સભ્યો ડીડીઓ સમક્ષ રજૂઆત કરવા ગયા હતા.
આ વખતે જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ)એ મહિલા સભ્યો વતી હાજર રહેલા તેમના પતિઓને ટકોર કરી હવે પછી મહિલા સભ્યની હાજરી જોઇશે તેમ કહેતાં નારાજ થયેલા સભ્યો મીટિંગમાંથી બહાર નીકળી ગયા હતા.જે દરમિયાન અનગઢના મહિલા સભ્યના પતિ રાજુભાઇએ તો રાજીનામું આપવા સુધીની ચીમકી આપતાં માહોલ ગરમાયો હતો.ત્યારબાદ પૂર્વ કારોબારી ચેરમેન સહિતના આગેવાનોએ મધ્યસ્થી કરતાં ફરી મીટિંગ યોજાઇ હતી.
જિ.પં.સભ્યો કહે છે,ધારાસભ્યોના કામો થાય છે,અમારા કામોમાં વિલંબ કેમ
વડોદરા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ એવો આક્ષેપ કર્યો છે કે, ધારાસભ્યોની ગ્રાન્ટના કામો અને અમારી ગ્રાન્ટના કામોનો પ્રોસિજર લગભગ સરખો હોય છે.આમ છતાં અમારા કામો ને બબ્બે વર્ષ સુધી મંજૂરી મળતી નથી.જો અમારા કામો ખાનગી જગ્યામાં થતા હોય,અગાઉ થઇ ચૂકેલા હોય કે નિયમમાં ના આવતા હોય તે રદ થાય તેમાં કોઇ વાંધો નથી.પરંતુ તલાટીના પ્રમાણપત્ર સહિતના નિયમોથી વિલંબ થઇ રહ્યો છે.જેને કારણે અમે ગ્રામજનોને જવાબ આપી શકતા નથી.
પાછળથી વહીવટી ગૂંચ ના સર્જાય તે માટે મહિલા સભ્યની હાજરી જરૃરીઃDDO
વડોદરા જિલ્લા પંચાયતના ડીડીઓ મમતા હિરપરાએ કહ્યું હતું કે,પંચાયતના વિકાસના કામોની પ્રક્રિયા સરળ છે.ભૂતકાળમાં મહિલા સભ્યોને તેમના કામો વિશે માહિતી નહિ હોવાની કે તેમની સહિ નહિ હોવાની રજૂઆતો થઇ હતી.જેને કારણે કોઇ વહીવટી ગૂંચના સર્જાય તે હેતુ થી મહિલા સભ્યોના પતિઓને તેમની સાથે ચૂંટાયેલી પત્નીઓને પણ હાજર રાખવા કહ્યું હતું.જે કામોમાં મહિલા સભ્યોની લેખિત રજૂઆત હોય છે તેમાં અમે ક્યારે પણ કોઇ વાંધો લેતા નથી.અમે સામાન્ય ગ્રામજનની રજૂઆતને પણ મહત્વ આપતા હોઇએ છીએ.જેથી અપમાન કરવાનો કોઇ ઇરાદો નથી કે આવો કોઇ વિવાદ પણ નથી.