– ઓપરેશન સિંદૂર પછી ઓપરેશન મહાદેવ
– આતંકીઓને મદદ કરનારાઓએ મૃતદેહો ઓળખી કાઢ્યા, હથિયારોનું ચંડીગઢ એફએસએલમાં પરીક્ષણ કરી ખાતરી કરાઈ
– આતંકીઓ દાચીગામના જંગલોમાં છુપાયા હોવાની ૨૨ મેએ ગુપ્ત બાતમી મળી, સ્વદેશી સેન્સર્સથી એક મહિનામાં તેમને ટાર્ગેટ કરાયા
નવી દિલ્હી : પહલગામની બૈસારન ખીણમાં આતંકી હુમલામાં ૨૬ હિન્દુ પ્રવાસીઓની નામ પૂછીને હત્યા કર્યાના ૧૦૦ દિવસની અંદર ભારતીય સૈન્યના જવાનોએ આ હુમલા માટે જવાબદાર ત્રણેય આતંકીઓને ઠાર કર્યા હતા. ભારતીય જવાનોએ દાચીગામના જંગલોમાં છુપાયેલા ત્રણ આતંકીઓ સુલેમાન ઉર્ફે ફૈઝલ, અફઘાની અને જિબરાનનું એન્કાઉન્ટર કર્યું હતું. આ આતંકીઓના મૃતદેહોને શ્રીનગર લાવીને તેમણે જ પહલગામમાં આતંકી હુમલો કર્યો હોવાની ખરાઈ કરાી હતી અને તેના વૈજ્ઞાાનિક પુરાવા પણ મેળવવામાં આવ્યા હતા તેમ તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે લોકસભામાં સત્તાવાર જાહેરાત કરતા કહ્યું હતું.