Ankleshwar : અંકલેશ્વરના વાલીયા રોડ પર કાપોદ્રા પાટિયા પાસે એપલ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં પોલીસને જાણ વિના દુકાનો બારોબાર ભાડે આપનાર દુકાન માલિકો સામે ભરૂચ એસઓજીએ સપાટો બોલાવી 7 દુકાન માલિકો તથા લેબર ફોર્મ નોંધણી ન કરાવનાર મોલ સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરતા અન્ય બેદરકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ એસઓજીની ટીમે આગામી આવનાર તહેવાર અનુસંધાને સુરક્ષાના ભાગરૂપે ભાડુઆતના વેરિફિકેશન અંગે આકસ્મિક ચેકિંગ કરતા વાલીયા રોડ પર કાપોદ્રા પાટિયા પાસે એપલ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં સાત દુકાનોના માલિકોએ પોલીસ સ્ટેશનમાં ભાડુઆતની નોંધણી ન કરાવી બેદરકારી દાખવી હોવાની વિગતો સપાટી પર આવતા પોલીસે સાત દુકાન માલિકો સામે ભાડુઆતની માહિતી નિયત ફોર્મમાં પોલીસ સ્ટેશનમાં નોંધણી નહીં કરાવી જાહેરનામાના ભંગ બદલ બીએનએસ 223 (બી) મુજબ કાર્યવાહી કરી હતી. જેમાં દિનેશકુમાર ભગવાનજી માલી, વિપુલકુમાર મૂળજીભાઈ પટેલ, તુહીના લવાનીયા, અજીતકુમાર રામદાસ યાદવ, માયાબેન યોગેશભાઈ પટેલ, રામકૃષ્ણ દોરીક (તમામ રહે-અંકલેશ્વર ગામ તા. અંકલેશ્વર, જી. ભરૂચ), સેફાલી પિન્કીબેન શાહ (રહે-રઘુવીરનગર સોસાયટી, અંકલેશ્વર) નો સમાવેશ થાય છે.
કર્મચારી નોંધણીના લેબર ફોર્મ જમા ન કરાવનાર મોલ સંચાલક વિરુદ્ધ પણ ગુનો નોંધાયો
એપલ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આવેલ મિસ્ટર ડીઆઇવાય મોલની તપાસ કરતા માલિક રામ પ્રકાશ દુબે (રહે-અયોધ્યા નગર ,કાપોદ્રા, અંકલેશ્વર) એ મોલમાં કામ કરતાં કર્મચારીઓના નિયત મુજબના લેબર ફોર્મ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવ્યા ન હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે પ્રકાશ દુબે વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી.